પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
લીલુડી ધરતી-૨
 


માતાએ પૂછ્યું : ‘શું ? શું ?’

‘મારી ઠેકડી કરશ ? બોલ્ય, ક્યાં સંતાડ્યું છે ?’

‘જરીક ઊંઘી જા. આંખ્ય વીંચી જા, તો ડિલને સુવાણ્ય થઈ જાશે—’

‘નહિ ઊંઘું. એનું મોઢું ભાળ્યા વિના નહિ ઊંઘું—’

સાંભળીને ઊજમે આંખો ઢાળી દીધી; હરખ પણ મૂંગી થઈ ગઈ, એટલે સંતુએ વધારે આગ્રહથી પૂછ્યું :

‘બોલ્યની, ક્યાં સુવરાવ્યું છે ?’

હરખથી સ્વાભાવિક જ પુછાઈ ગયું : ‘શું ?’

‘મારું છોકરું.’

અને ક્યારની નીચી મૂંડીએ રહેલી માતાની આંખમાંથી આખરે એક આંસુ ખર્યું.

ઊજમે એક ઊંડો નિ:શ્વાસ મૂક્યો.

‘લાવ્યની ઝટ ! ક્યાં સંતાડી દીધું છે ?’ સંતુએ વધારે ઉગ્રતાથી બોલવા માંડ્યું, ‘મારા છોકરાનું મોઢું મને જ નહિ દેખાડ્ય ?’

ઊજમને સમજાતાં વાર ન લાગી કે સંતુનાં આ વાક્યોમાં ભયંકર ઉન્માદ રહેલો છે. એણે દેરાણીની આંખો પર પોતાની હથેળી દાખી દીધી.

‘ઊંઘી જા ઘડીક વાર... મગજ તપી જાશે... થાકી ગઈ છો... બહુ બોલીશ તો સુવાણ્ય નહિ થાય—’

પણ માંડ કરીને ઊઘડેલી પોતાની આંખો આડેનું આવું આવરણ સંતુ સાંખી શકે એમ નહોતી. એણે જોર કરીને પોતાના કપાળ પરથી ઊજમની હથેળી ખેસવી નાખી.

ખુદ ઊજમને ય આશ્ચર્ય થયું : ‘આટલું જોર આ માંદલી સ્ત્રીમાં ક્યાંથી આવ્યું ?’

સંતુએ હવે તો રીતસર બૂમો જ પાડવા માંડી :