આ કરૂણ જીવનલીલા અવલોકી રહી હતી ત્યાં જ સંતુએ લાંબી તંદ્રા પછી ફરી વાર આંખ ઉઘાડી.
સ્વાભાવિક જ એની નજર કાબરી ઉપર પડી, અને ગોદની સન્મુખ રહેલું મુંઢકણું અત્યારે અદૃશ્ય થયું લાગતાં તુરત એ પૂછવા લાગી :
‘ક્યાં ગ્યું ? ક્યાં ગ્યું ?’
ઊજમે પૂછ્યું : ‘શું ?’
‘કાબરીનું વાછડું ...ક્યાં ગ્યું ?’
'ઈ તો ધનિયો લઈ ગ્યો—'
‘શું કામ ? શું કામ લઈ ગ્યો ?’
ઊજમ પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો તેથી એ મૂંગી રહી.
‘કાબરીના વાછડાને શું કામે ચોરી ગ્યા ? પાંજરાપોળે મેલવા કે પછી ખાટકીવાડે વેચી નાખવા લઈ ગ્યા છે ?‘
ઊજમે કહ્યું: ‘વાછડું તો મરેલું જ આવ્યું’તું. ધનિયો લઈ ગ્યો ઈ તો એનું મુંઢકણું હતું.’
‘મને ઊઠાં ભણાવીશ, ભાભી ?’
સંતુએ કહ્યું : ‘જીવતું વાછડું ક્યાંય સંતાડી દીધું ને ઈને ઠેકાણે મુંઢકણું મેલી દીધું ને ! હું હંધુ ય સમજું છું—’
અને સંતુ કાબરીની વાતમાંથી એકાએક પોતાની ફરિયાદ પર ઊતરી પડી.
‘બોલ્ય, ક્યાં સંતાડ્યું છે મારું છોકરું ? બોલ્ય, ક્યાં મેલ્યું છે ? પટારામાં ? મજૂહમાં ? કોઠીમાં ? મેડા માથે ?’
અને પછી તો સંતુ પોતે જ ઊભી થઈ થઈને બધે ખાંખાખોળા કરવા લાગી, ઘરનો ખૂણેખૂણો ફેંદવા લાગી.
ફરતે ફરતે, ઘરમાંથી નીકળીને ફળિયામાં ને ફળિયામાંથી નીકળીને શેરી સુધી તેની શોધખોળ આગળ વધી.
ઓઘડની જેમ સંતુ પણ ધીમે ધીમે ગામના ઉકરડા ફેંદવા