પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૩૬
લીલુડી ધરતી-૨
 

 પ્રત્યાઘાતો નજરોનજર નિહાળ્યા હોવાથી પોતાના પાષાણહૃદયમાંથી અનુકમ્પાની સરવાણી ફૂટી હોય. અથવા તો, વખતીના પોતાના જ અંતરને વલોવી રહેલી કોઈક અપરાધીપણાની આડકતરી લાગણી પણ આમાં કારણભૂત બની હોય. ઘણી વાર સંતુની સ્થિતિ વિશે વિચારતાં વિચારતાં એના મનમાં વસવસો થયા કરતો : હું એના જણ્યાંને બચાવી ન શકી. સંતુનું સંતાન હેમખેમ જન્મી શક્યું હોત તો એની આ સ્થિતિ ન હોત... હજીય એના ખોળામાં નાનકડું છોકરુ રમતું થાય તો એનું ગાંડપણ ચાલ્યું જાય અને સંતુ સાજીનરવી થઈ જાય. પણ એનો તો હવે શો ઉપાય ? હવે શું થાય ?

સ્વાભાવિક જ, સંતુના સહુ શુભેચ્છકો એનું ગાંડપણ નિવારવા માટે પોતપોતાની રીતે પ્રયત્નશીલ બન્યાં હતાં.

અને એવા પ્રયત્નો કરનારાઓમાં હરખ સહુની મોખરે હતી. એનું માતૃહૃદય સ્વાભાવિક જ સહુથી વિશેષ વ્યથા અનુભવતું હતું. સંતુના આવા ભયંકર ગાંડપણમાં કશાં દવાદારૂ કારગત થાય એમ નથી જ, એવી ખાતરી થતાં ભોળુડી હરખે જ્યોતિષનો આશરો લીધો. અસીમ શ્રદ્ધા સાથે એ પરભા ગોરને ઘેરે ગઈ.

હાથએકનો ઘૂમટો કાઢીને એણે આ વયોવૃદ્ધ બ્રાહ્મણને વિનંતિ કરી :

‘ગોરબાપા ! મારી ગગીના ગરેહ જોઈ દિયો !’

અને પછી, સંતુને શી નડતર છે, આ ગાંડપણ ક્યાંથી આવ્યું કોણે એને કરી મેલ્યું છે, હવે એનો ઉપાય શો, કઈ કઈ બાધાઆખડી રાખવી, કયાં કયાં દેવ-દેવીની માનતા માનવી, દોરા, ધાગા, ટૂશકો, શું શું કરીએ તો સંતુ સાજી થાય એ વિશે લાંબી પૂછપરછ ચાલી.

‘કોઈ દેવમેવ તો રુઠ્યા નથી દેખાતા.’ પરભા ગોરે સધિયારો આપ્યો.

‘તો પછી આવું કેમ કરતાં થ્યું?’