પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
લીલુડી ધરતી -૨
 

 ‘ઓતરાદાં તો ઘણાં ય ખોરડાં છે, કાંઈક વધારે એંધાણ આપો તો ખબર્ય પડે ને !’

‘દશ્યાને નામે જ એનું નામ છે એટલામાં સમજી જાવ.’

સાંભળીને હરખ વિચારમાં પડી ગઈ. ઓતરાદી દિશા, ને એને નામે જ નામ. એટલે ?

‘ન સમજ્યાં ? ઓતરાદી દશ્યા, એટલે ‘અ’ ને નામે નામ થ્યું—’ પરભો ગોર બોલ્યો, ‘હવે આનાથી વધારે કાંઈ પૂછીને મને પાપમાં ન નાખતાં, જાવ !’

ભૂદેવનો આદેશ સાંભળીને હરખ ઊભી થઈ. રોકડા સવા પાંચ આનાની દક્ષિણના બદલામાં ઓતરાદી દિશા અને ‘અ’ ને નામે નામનું ઈંગિત લઈને એ ઘેર આવી.

ઘેર આવીને એણે ઊજમને કાને વાત નાખી. સંસારનાં સુખદુઃખમાંથી પસાર થયેલી ઊજમને આવા વહેમમાં બહુ શ્રદ્ધા નહોતી, પણ ડૂબતું માણસ તણખલાને બાઝે એમાં શી નવાઈ ? ચોગરદમ આપત્તિઓથી ઘેરાયેલી ઊજમે હરખની વાત ઉપર વિચાર કરી જોયો.

ઓતરાદી દિશા અને ‘અ’ને નામે નામ, ને વળી આપણું વેરી હોય, એવી વ્યક્તિ કઈ ?

અને આ દુખિયારી સ્ત્રીઓને દીવા જેવું સ્પષ્ટ સૂઝી ગયું : અજવાળીકાકી જ, વળી બીજું કોણ?

હા, હવે સમજાયું. અજવાળીકાકી જાતરાને બહાને બહારગામ શા માટે ચાલ્યાં ગયાં છે તે !

અને શંકિત માનસને એક પછી એક અનુકુળ તાળો મેળવતાં શી વાર ? હા, બરોબર, એક શ્રાવણી સોમવારે હરખ અને અજવાળીકાકી ઢીંકેઢીંકે વઢ્યાં હતાં, હરખે સો માણસના સાંભળતાં અજવાળીકાકીની જડાવની વગોવણી કરી હતી, અને બદલામાં એમની અનેકવિધ ગર્ભિત ધમકીઓ સાંભળી હતી.

તરત પ્રશ્ન ઊઠ્યો : અજવાળી ડાકણ છે ? એને મેલી વિદ્યાનાં