પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આવ્યો આષાઢો !
૨૮૫
 

 અને એક જોરદાર કડાકા સાથે વીજળીનો આંજી નાખતો શિરોટો ફેલાયો અને ગુંદાસર ઉપર બારે ય મેઘ ખાંગા થઈ ગયા…

મુશળધારે વરસતા વરસાદના ઘેરા ગાનની અસર તળે સહુ જીવો નિદ્રાધીન થઈ ગયાં.

***

વહેલી પરોઢ ટાણે સંતુ જાગી તો એણે હાદા પટેલની કેટલીક સ્વગતોક્તિઓ સાંભળી. એ વૃદ્ધ એકલા એકલા જાણે કે કોઈકની જોડે વાતો કરી રહ્યા હોય એવું લાગતાં સંતુએ ગભરાઈને ઊજમને જગાડવાનો પ્રયત્ન કર્યો.

પણ ઊજમ આજે જાણે કે કોઈકની પ્રતીક્ષામાં જ જાગતી હતી.

સંતુએ પૂછ્યું : ‘આતા આ શું બોલે છ એકલા એકલા ?’

‘ઈ તો એને ટેવ છે, ધરથી જ ટેવ છે—’

‘પણ આ વાતું કોની હાર્યે કરે છે ?’

‘ઈ તો એને કો’ક સોણે આવ્યું છે.’

‘સો'ણે આવ્યું છે ? કોણ ? કોણ ?’

‘ઈ મને શું ખબર્ય ?’ કહીને ઊજમ મૂંગી થઈ ગઈ.

‘તમને આજ નીંદર નથી આવતી ?’ સંતુએ પૂછ્યું.

‘ના.’

‘કેમ ભલા ?’

‘મને ય આજ સોણું આવ્યા કરે છે, એટલે પાંપણ ભીડાતી જ નથી.’

‘ઉઘાડી પાંપણે તી કાંઈ સોણાં આવતાં હશે ?’ સંતુએ પૂછ્યું.

‘મારા જેવો દખિયારીને જાગતાં સોણાં આવે—’

‘જાવ જાવ !’

‘સાચું કહું છું. આતાને ભરનીંદરમાં સોણાં આવે છે, તે મને જાગતાં સોણાં આવે છે—’