પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
લીલુડી ધરતી-૨
 


સંજોગોનાં પ્યાદાં-જાણે કે દુનિયાભરની સમસ્ત વાર્તાસૃષ્ટિનાં પાત્રો માટે યોજાયું લાગે છે.

આ કથા 'હોંશભેર વાંચનાર ભાઈયું'એ આરંભથી અંત સુધી સથવારો પુરાવીને પ્રોત્સાહન સાથે કડક શિક્ષણ પણ આપ્યું છે એ બદલ હું એમનો ઋણી છું. એમણે કરેલી ભરપૂર પ્રશંસાની મારા પર કશી અસર નથી થઈ, એમ કહેવા જેટલી અનાસક્તિ હજી હું કેળવી શક્યો નથી. પ્રશંસાત્મક પત્રો વાંચીને મારો લેખનઉમંગ અને આત્મવિશ્વાસ વધતો રહ્યો છે, અને સાથે સાથે એક હકીકતનું ભાન પણ થતું રહ્યું છે, કે લખાણ જરાક જ સારું હોય તો વાચકો એને માથે ચડાવી લે એટલા ઉદાર હોય છે, કાવડિયાંની સરખામણી કદી રૂપિયાને લેખે કરતા હોય છે. આવો અનુભવ થાય ત્યારે લખનાર વિશેષ જવાબદારીનું ભાન કેળવે તો એ એના પોતાના જ લાભમાં છે. અને તેથી જ કથાને અંતે આ વાચકોને જે અસંતોષ રહી ગયો છે એમને અનુલક્ષીને થોડું નિવેદન કરવું આવશ્યક લાગે છે. છેલ્લા પ્રકરણને અંતે જે તે પાત્રોનાં જીવનનાં 'સમાપન' નથી થયાં એ અંગે સતત પૂછગાછ થઈ રહી છે. આવા વાચક મિત્રોના આશ્વાસન ખાતર એટલું સ્પષ્ટ કરવા માગું છું કે છેલ્લું પ્રકરણ લખી નાખ્યા પછી પણ આ કથાના પ્રવાહ મારા મનમાં સતત રમી રહ્યા છે, દૂર દૂર વિસ્તરી રહ્યા છે. કોણ જાણે કેમ પણ આ કથાની પાત્રસૃષ્ટિ હજી ચિત્તમાંથી ખસતી જ નથી. અત્યારે તો લાગે છે કે આવા બે-ચાર કે એથી વધારે ખંડોમાં હજી આ કથા વિસ્તરશે. પણ કયારે ? ન જાને !

ચુ. મ.