પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું જીવતર લાજે !
૪૭
 


‘બચાડા જીવ આ પારકા છોકરાને પોતાનો ગણીને માંડ પગ વાળીને બેઠા’તા એમાં આ ઉપાધિ આવી પડી—’

‘ગામનાં માણહ અદેખાં કાંઈ અદેખાં ! કો’કના સુખના રોટલામાં પાણો ફેંકવામાં જ શૂરાપૂરા !’

ટપુડાએ રઘાનો જખમ સાફ કરીને એમાં બાળેલું રૂ ભર્યું એ દરમિયાન હાદા પટેલ અને બીજાંઓએ મળીને રસ્તા પર પડેલો હૉટલની ઘરવખરીનો ભંગાર અંદર સારવા માંડ્યો હતો. એમને રઘાએ વાર્યા :

‘ઠાલો દાખડો રે’વા દિયો. ઘરમાંથી બાર્ય નીકળ્યું અને હવે ઘરમાં ઘાલવું રે’વા દિયો.’

રઘાની સૂચનાને અવગણીને લોકો બહારથી અંદર સામાન સારતાં રહ્યાં, અને રઘો સ્વગતોક્તિઓ ઉચ્ચારતો રહ્યો :

‘આજથી આ હૉટલનો ચૂલો ફરીથી નહિ સંધરૂકાય. ઘણા ય દિ’ મેં ગામને ચા પાઈ... હવે ગામ હાર્યે મારી લેણાદેણી પૂરી થઈ લાગે છે... આ ધરતીમાંથી મારાં અંજળપાણી ઊઠી ગ્યાં છે...’

અને પછી જીવા ખવાસ જોડેના પોતાના સંબંધો અંગે થોડું આત્મનિરીક્ષણ કરવા માંડ્યું :

‘મારા હાથનાં કર્યાં જ આજે હૈયે વાગ્યાં... જીવલાને મેં જ મોટો ભા કરી મેલ્યો’તો... ઈ મારું દૂધ પીને ઊઝરેલો મને જ ડંખ્યો... મારાં આંહીંનાં કર્યાં આંહીં જ ભોગવવા પડશે.’

ઈશ્વરગિરિએ સૂચન કર્યું : ‘જીવા ઉપર ફોજદારી માંડો.’

‘ના રે બાપુ ! જીવલાને દંડીને ય હવે મને કયો ફાયદો થાવાનો હતો ? ઊલટાનું એના મનમાં ઝેર વધશે.’


 ***

પોતાનો દાવ આબાદ પાર પડ્યો હોવા બદલ જીવો આનંદી રહ્યો. રઘાએ ‘અંબાભવાની’ બંધ કરી દીધી – વળતે દિવસે એણે