પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભવનો ફેરો ફળ્યો
૬૭
 

 આંખમાં ઊંઘ નહોતી : એક તો મેણાંની મારી કૂવો પૂરવા ગયેલી, પણ જુસ્બાના એકાનો અવાજ સાંભળીને પાછી ફરેલી સંતુને હવે જંપ નહોતો વળતો; એ જ વેળા, ખીજડિયાળી વાડીએ જીવો ખવાસ અને નથુ સોની એમનાં ભેદી યંત્રો ચલાવતા જાગતા બેઠા હતા.

રઘાની જોશીલી જુબાની પડ્યા પછી સંતુના શિર પરથી પતિહત્યાનું આળ તો ઊતરી જશે એમ લાગતાં જ જીવો વધારે અસ્વસ્થ થયો હતો. પણ જીવા કરતાં ય વધારે અસ્વસ્થતા તો આજે નથુ સોનીને હૈયે હતી. શ્રાવણી સોમવારની રાતે સંતુની મા હરખે ઊભી શેરીએ જાહેરમાં જડીની બદગોઈ કર્યા પછી અજવાળીકાકીએ યેનેકેન પ્રકારેણ સંતુને સતાવવાનો નિરધાર કર્યો હતો અને એ માટે એણે પતિને ઉશ્કેર્યો હતો. પરિણામે, નથુ સોનીને હવે સંતુના પ્રકરણમાં એક પોતીકો રસ જાગૃત થયો હતો. પતિહત્યાના આળમાંથી ઊગરી જનારી સંતુ ઉપર હજી એથી ય વધારે નાનમભર્યું આળ બાકી રહે છે એનું શું ?’

નથુ સોનીએ આ મુદ્દાનો લાભ લેવાનું જીવાને સૂચવ્યું.

‘મુખીને કાને વાત નાખીએ. ગામમાં આવા નઘરોળ પાપ કેમ કરીને નભાવાય ?... ચોરે આખી નાતને બરકો ને આ વાતનો નિયા કરાવો.’

મુખી ભવાનદા ભોળાભટાક માણસ છે એ જીવો જાણતો હતો. નાતપટેલનો સ્વભાવ થોડો ચડાઉ ધનેડા જેવો પણ હતો, એટલે મુખીને જ મોખરે કરીને સંતુની વાત વાવલી શકાશે, એમ સમજાતાં જીવાએ બીડું ઝડપી લીધું.

‘સવાર પડતાં જ સમજુબાને કાને વાત નાખું... ઠકરાણાં પંડ્ય જ મુખીને હુકમ કરે કે નાતનું પંચ બેસાડો ને આ પાપનો નિયા કરાવો—’

*