પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
લીલુડી ધરતી–ર
 

 વેરાવળના લાતીવાળાઓ માટે ઇમારતી લાકડું લેવા ગયો હતો. આ ઇમારતી લાકડાંને બહાને જ તો એ એક વાર બ્રહ્મદેશની ખેપ પણ કરી આવ્યો હતો.

સમજુબાને સાધીને સોની અને ખવાસે આવી સરસ ભાગીદારી થાપી હોય, એમાં જીવો નથુકાકાનો પડ્યો બોલ ઝીલે એમાં શી નવાઈ ?

રઘો સંતુની તરફેણમાં જોશીલી જુબાની આપી આવ્યો એ મધરાતે જીવો હતાશ થઈને બેઠો હતો; એમાં સોની મહાજને મુખીને કાને વાત નાખવાનું અને ગામપંચ બોલાવવાનું સૂચન કરીને એક નવું આશાકિરણ આપ્યું.

સમજુબાને કાને વહેણ નાખું એમ હજી તો જીવો વિચારતો રહ્યો, ત્યાં તો એને ત્રણ તાળીના સાંકેતિક ટપાકા સાંભળ્યા ને એ ચમકી ઊઠ્યો.

‘ઠકરાણાં આવ્યાં લાગે છે !’ કહીને એ સફાળો ઊભો થયો.

‘સબર્ય આવે કથોળે ટાણે ?’ નથુકાકાએ પૂછ્યું.

‘કાંઈક કામ પડ્યું હશે.’ કહીને જીવો કૂવામાં માંડેલી નિસરણીનાં પગથિયાં ચપચપ ચડીને કાંઠે આવ્યો.

નથુકાકાના પેટમાં ધ્રાસકો પડી ગયો. ઠકરાણાં જેવાં ઠકરાણાં ઊઠીને આમ કાળી રાતે કૂવાને કાંઠે આવી ઊભે એમાં જરૂર કાંઈક ભેદ હોવો જોઈએ. છૂપી પોલિસ તપાસ કરવા આવી હશે ? મુંબઈની સી.આઈ.ડી. આવી હશે ? દિલ્હી સરકારની પોલિસ પગેરું કાઢતી હશે ? સમજુબાને ગંધ આવી ગઈ હશે, ને અમને સહુને સાબદારવા અટાણે આવ્યાં હશે ?

જીવો પણ મનમાં તરેહતરેહના તર્ક કરતો કાંઠે આવ્યો ત્યાં સામે અંધકારમાં ઘોડા ઉપર બેઠેલી વ્યક્તિને જોઈને એક ક્ષણ વાર તો એ થડકી ગયો.

‘બી ગ્યો, એલા ?’ અસવારે પૂછ્યું.