પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
લીલુડી ધરતી–ર
 

 ભૂતેશ્વરની વાડીના મેદાનમાં મનખો માતો નહોતો. વચ્ચોવચ્ચ ઘુઘરિયાળો બાવો વરણાગિયા વેશે ધૂણતો હતો અને અડખેપડખે કૂંડાળે વળીને ગામના મોવડીઓ બેઠા હતા અને એ કૂંડાળાની આજુબાજુ ભયભીત પ્રેક્ષકો ઊભાં હતાં.

ઘુઘરિયાળાની સન્મુખ મુખી ભવાનદા ચિંતાગ્રસ્ત ચહેરે બેઠા હતા. એમની બાજુમાં ઓઘડ ભૂવો ડાકલું વગાડતો હતો. આ ઓઘડભાભો ગુંદાસરનો સાર્વજનિક ભૂવો હતો. ગામમાં કોઈને ઝપટ જેવું હોય, વળગાડ હોય, કોઈ નજરાઈ ગયું હોય, કોઈ નવોઢાને એની આગલી શોક નડતી હોય, કોઈને કામણટુમણ થયાં હોય, કોઈની સરમાં જિનાત-ખવિસ આવતાં હોય, કોઈનાં પિતૃઓ રૂઠ્યાં હોય, કોઈના ઘરમાં રોજ સાપ નીકળતા હોય ત્યારે રતાંધળો ઓઘડભાભો એનું ચાર દાયકાનું જુનું ડાકલું વગાડતો ને ધૂણનાર માણસને સવાલ-જવાબ કરતો. અત્યારે પણ ઘુઘરિયાળાને મોંઢેથી મેલડીનો ‘જવાબ’ મેળવવા એણે ચાર ચાર નાળિયાંની નાળમાં સૂકાં મરચાની ધુંવાડી કરીને ડાકલું વગાડવા માંડ્યું હતું.

બાવો હુઉઉઉ હુઉઉઉ કરીને ધૂણતો હતો ને ઓઘડ ડાકલા પર થાપી મારી મારીને એને તાલ આપતો હતો. પ્રેક્ષકો કુતૂહલ અને ભયની મિશ્ર લાગણી વડે આ નાટક નિહાળી રહ્યાં હતાં.

જોતજોતામાં તો લગભગ ગામ આખું અહીં ઠલવાઈ ગયું. ગામની બધી જ ગણનાપાત્ર વ્યક્તિઓ હાજર થઈ ગઈ હોવાથી હાદા ઠુમરની ગેરહાજરી આપોઆપ જણાઈ આવી. કર્ણોપકર્ણ ધીમી પૂછગાછ પણ થઈ :

‘હાદો પટલ ક્યાં રોકાણા ?’

‘ઈ ડેલીએ બેઠા.’

‘કોઈએ બરક્યા નંઈ ?’

‘એ સાદ કર્યો, તો કિયે કે આવા તો ઘણા ય બાવાને ધૂણતા જોઈ નાખ્યા.’