પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ ભગવાન! ખરેખરું કહેજો હોં! મારા સમ છે! વારૂ, આજસુધી મારા પત્રોએ જરા પણ અસર ન કરી ને હવે એકદમ કરી તેનું કારણ શું ? ક્યાંહી પ્રેમને ઘરેણે તો નહોતો મૂક્યો કે છોડાવી લાવ્યા ? બાકી હું કોઈ આજકાલની તમારા ઉપર પ્રેમ નહોતી રાખતી. મેં તમને જોયા છે ત્યારથી જ સ્વાભાવિક પ્રેમ ઉપજ્યો હતો. પણ ખરેખર વીંધી નાખી ક્યારે ? તે કહું ? જુઓ. હું તમને પ્રથમ કવિતા સંભળાવવા આવી ને એમણે કહ્યું કે 'હવે સાંભળો!' ત્યારે તમે કહ્યું કે 'તમે કહો તો ચિત્ત એકાગ્ર કરૂં.' એ વગેરે બીજા પણ બોલો. (તમારી સામે હું ફરીને બેસતી તે ય બહુ જ પ્રેમને લીધે શરમાતી) પછી જન્માષ્ટમીને દિવસે ચીઠ્ઠી લખીને બોલાવ્યા ત્યારે તો કાંઈ કહી જ શકાતું નથી. સફરજન પોતાના ભાગમાંથી મારી આગળ હસ્તાહસ્ત આવીને મૂકી ગયા હતા તે સાંભરે છે ? મેં પણ તમે જે મૂકી ગયા તે જ ખાધાં અને બીજાંમાં 'ખાટા છે' એવું દુષણ મૂક્યું તેની મતલબ 'ખાટા છે' તે ખરી ન હતી પણ મારા તરફથી તમને ખવરાવવાની હતી. પછી તે દિવસે મુખનો ચહેરો, આંખોનો, આમથી આમ, ને આમથી આમ બેસવું, સુઈ જવું, ચતુરભાઈના ઉપર હાથ નાંખવા, પ્રેમમાં ગમે તેમ બોલી પડવું. ('આવજો' એવું જતી વખત કહ્યું તે બે હાથનું ચિહ્ન કરી અજબ તરહમાં) 'મહેતાજી, મ્હોઢે કંઈ આવડતું હોય તો ગવરાવો. વાંચવાથી તો ગાનારની નજર સાંભળનાર તરફ નથી રહેતી' તે પછી આપણે બે ઘણીએ વાર ભેગા થયા હશું પણ પાછું તેવું તો કાંઈ જોવામાં આવ્યું નહિ. તેનાં (?) જોવા ભેગાં થયા ત્યારે તો જાણે તમારે ને મારે ઓળખાણ જ નથી તે જોઈ મને લાગ્યું કે 'આ સરખી વૃત્તિનું માણસ નથી, માટે એવા ઉપર તણાવું એ ફોકટ જેવું છે.' કહ્યું છે કે:

'સજ્જન કબહુ ન કીજીએ, અણસમજે કો સંગ,'
'દીપકકે મન મેં નહિ, જલ જલ મરે પતંગ.'

મને જે નીતિની વાતમાં લંબાણથી લખ્યું છે તે વિચારી જોતાં કાંઈક મનમાં માઠું લાગવાથી લખ્યું હોય એમ લાગે છે. પછી કોણ જાણે! 'મારા તુચ્છ જેવાની ભક્તિ મૂકી દઈ પોતાની નીતિ ઉપર રાખો એથી કલ્યાણ થશે.' હું તમને કૌસ્તુભમણિ કરતાં વિશેષ ગણું છું. અને હાલા તો તમારા મનના જેવા જ તમે છો. આજ સુધી મેં કોઈને નહિ જોયું હોય (?) પણ મારા મનને તમારા પગના ખાસડા જેટલીએ કોઈએ અસર કરી હોય તો ઈશ્વર આજ્ઞા. આપ લખો છો કે તમે પરણ્યા ન હોત ને આપણો પ્રેમ થયો હોત તો મોક્ષનો માર્ગ હતો. હે