છેવટે વાત એમ છે કે આપણે સૌ વિચાર કરીએ કે આપણને અંદર અંદર, મોટાં સાથે, નાનાંઓ સમક્ષ અને બાળકો સમક્ષ સારી રીતે બોલતાં આવડે છે ?
મારા એક મિત્રે મને કહ્યું : “મારો નાનો ભાઈ, અમે ઘરનાં કોઇ બે માણસો નજીક આવીને વાત કરતાં હોઇએ છીએ ત્યારે દૂરથી કાન માંડે છે, પોતાનું કામ છોડે છે, કામ કરવાનો દેખાવ કરે છે, ઘણી વાર બહાનાં કાઢી પાસે આવે જાય છે અને ઘણી વાર કાંઈ શોધતો હોય કે ચિત્રો જોતો હોય એવો ડોળ કરી સાંભળવાનો પ્રયત્ન કરે છે. મારે આ બાબતમાં શું કરવું?”
મેં તેને કહ્યું : “એનો ઉપાય તમારે ખાનગી વાત ન જ કરવી, અથવા તમે ખાનગી વાત નથી જ કરતા એવું જણાવવું, એ નથી. હરહંમેશાં ત્રીજાને નુકસાન પહોંચાડવાની કે કાવાદાવાની કે ખટપટની કે એવી વાત એટલે ખાનગી વાત, એવો ખાનગીનો અર્થ નથી જ. બે માણસે જાણવાનું હોય તે ત્રીજાને તેની સાથે લેવાદેવા ન હોય, તેમાં તેનું હિત ન હોય, અથવા તે જાણવાથી ત્રીજાને હાનિ હોય, અગર તે વાત ત્રીજાના હિતની હોય પણ તેને જણાવવાથી અહિતની હોય, તેવી વાત ત્રીજા પૂરતી ખાનગી ગણી શકાય. તેવી વાત ખાનગીપણે જ થવી જોઇએ. દરેક ધંધામાં