લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાનગી વાતો
૧૦૩
 

એવી વાતો છે જ કે ત્રીજાને જણાવવાની ન જ હોય. દરદીઓ દાક્તર પાસે પોતાની વાત કરી જાય તે ખાનગીપણે જ થાય, ને ખાનગી જ રાખવી જોઇએ, એવી એ ધંધાની સભ્યતા છે. કોઇએ અન્યને કોઇ વાત વિશ્વાસથી કહી હોય તો તે વાત પણ ખાનગી જ છે. નિર્દોષમાં નિર્દોષ વાત પણ એને માટે કે બેની વચ્ચે હોય તો તે ખાનગી જ છે. દીકરીને તેની બા જીવનની અગત્યની વાતો ખાનગીમાં જ કહી શકે. ગૃહપતિએ છાત્રોને ખાનગીમાં જ બોલાવવા જોઈએ. દરેક કાર્ય વાહકને પોતાના કાર્ય સબંધે કામદારો સાથે કામપૂરતી ખાનગી વાત કરવાની હોય જ છે. આમ અનેક વખતે અનેક પ્રકારની વાતો ખાનગી હોય છે, ને બેશક તે ખાનગીપણે જ કરવી જોઇએ. જ્યાં સામા પક્ષને જણાવવું એ જ ધર્મ હોય ત્યાં ખાનગી રાખવું એ જેમ પાપ છે, તેમ જ જ્યાં બેથી ત્રીજા માણસે ન જાણવાની વાત હોય ત્યાં ત્રીજાને જણાવવામાં કે ત્રીજો જાણે એમ વાત કરવામાં પાપ છે. બાળકોને એટલો સામાજિક આચાર શીખવવો ઘટે. જ્યારે ઉપરના પ્રકારની કોઈ પણ વાત હોય ત્યારે આપણે તેને કહેવુ : “આ વાત ખાનગી છે. જરા બહાર જાઓ.” બાળકને આપણે જુદી જુદી રીતે ખાનગી વાત એટલે કેવી વાત એનો અનુભવ આપવો જોઇએ. તેના પોતાના અંગત પ્રશ્નો તેની સાથે ચર્ચતી વખતે આ વાત ખાનગી છે; બીજાને જણાવવા જેવી નથી; તારે પોતાને જ કામની છે.” એમ કહી ખાનગી વાતનું સ્વરૂપ જણાવી શકીએ. ઘરમાં એવા ઘણા પ્રસંગો બને કે જેમાંથી ખાનગી વાત કઈ ને જાહેર કઈ તેની સમજણ બાળકને આપવાની તક લઇ શકીએ. બાળકને એટલો ખ્યાલ આપ્યા પછી તેને કહેવાય : “જુઓ; બીજાની વાત આપણને જરૂરી નથી;