તેને પોતાને જ કામની છે. માટે તે સાંભળવાની આપણને દરકાર ન હોવી જોઇએ. ને છતાં આપણે ઘણી વાર કાન માંડીએ છીએ, ચોર પેઠે લપાઈને વાત સાંભળીએ છીએ, એ સારું નથી; એમાં સભ્યતા નથી; એ ખાનદાની ન જ કહેવાય; ખાનદાનનું બાળક એમ ન કરે. જેમ આપણે ખાનગી વાત હોય છે તેમ બીજાને પણ હોય છે. જો આપણી વાત બધા જાણે એમ આપણે ઇચ્છતા ન હોઇએ તો બીજાની વાત જાણવાની ઈચ્છા કરવી તે અયોગ્ય જ છે.”
દુનિયાની ઘણી વાતો ખાનગી રહે છે; કારણકે જો તે બહાર પડે તો તેમાંથી જોખમ ઊભું થાય છે. ઘણી વાર તેવી વાતો સાથે જોડાયેલાંને તે ખાનગી રાખવાની શરત કરવી પડે છે, અગર તો બીજી મુશ્કેલીઓ વેઠવી પડે છે. જો બહારનો લોકભય ન હોય તો ઘણી વાતો બહાર પડે ને તેનાથી ઘણાઓને ઘણું કિમતી એવું જ્ઞાન મળે. લોકભયને લીધે એવું ઘણું મહામૂલ્ય સાહિત્ય છૂપું રહે છે, પરંતુ માત્ર બહારના ભયને લીધે જ વાતો ખાનગી રાખવી પડે છે તેમ નથી; બહારનો ભય ન હોય તોપણ કેટલીએક વાતો એવી પવિત્ર છે, એટલી બધી મહત્ત્વની છે, એટલા ઊંડા રહસ્યની હોય છે કે તેના જેઓ અધિકારી ન હોય તેઓ તે ન જ જાણે, તે માટે તેને ખાનગી જ રાખવી જોઇએ. આ ન્યાયે ઘણી વાર મોટાંઓના જીવન પરત્વે સાવ નિર્દોષ અને અતિ ભવ્ય વાતો પણ બાળકોથી ગુપ્ત રાખીએ છીએ, અને રાખવી જ જોઇએ. એમાં બાળકનું કશું અપમાન નથી. એમાં એમનાથી કશી ચોરી પણ નથી એમાં ખોટા દાખલાઓ દેખાડવા જેવું પણ નથી આમ જ જીવનના બધા વિભાગોમાં રક્ષણ કરવા યોગ્ય ઘણું છે કે જે બાળકો આગળ ખુલ્લું મૂકી ન શકાય.