મેં કહ્યું : “એક લાખ રૂપિયાની વાત.”
મને થયું : “ઘેલિયાની બા સાચું કહે છે કે બજારમાં જઈને રોજ ને રોજ હું પેપરમીન્ટ ને એવું એવું પેટ બગાડે એવું ખવરાવું છું ને પૈસા ફેકી દઉં છું, એના કરતાં તો છોકરાને માટે એક હીંચકો બંધાવું તો સારું.”
“મારો અને ઘેલિયાની બાનો મત બરાબર મળતો છે કે છોકરાંને લૂગડાં કરાવ્યે જ જવાં ને પછી ‘મેલાં કપડાં પહેરવાનું કહેવું અથવા તો ધોબીને પૈસા ક્યાંથી દઇએ ? એ તો પૈસાદારનું કામ. રોજ રોજ સાબુ ક્યાંથી કાઢીએ ?’ એમ કહેવું તો સાવ ખોટું છે. બે કપડાં આછાં કરાવીએ ને સાંધીને ચલાવીએ તો સાબુના પૈસા તો તેમાંથી નીકળે !”
માત્ર ગમ્મત ખાતર બે-પાંચ મિત્રોને તો મહિનામાં ખવરાવવું જ જોઈએ. ઘરમાં શોભા લાગે એટલે મોતીનાં તોરણનો ખર્ચ તો જોઇએ ના ? જરા ફેશનેબલ ગણાવા માટે ફલાણો સાબુ વાપરવો જ જોઇએ. પણ બાળકો માટે માસિક મંગાવવું છે તો પૈસા નથી; એમને ગાડી કરી દૂર દૂરનાં સુંદર સ્થળો દેખાડવાં છે તો પૈસા નથી. આ વિચાર ખોટો જ છે ના ?
મહેમાન આવ્યા તો લાપશી વિના કેમ જમાડાય ? શ્રાવણ માસ આવ્યો તો ધરમાદામાં પાંચ રૂપિયા આપવા જોઈશે. શ્રાદ્ધ આવ્યાં તો પાંચ-પચીશ જણાને ખવરાવ્યા વિના વહેવાર કેમ ચાલે ? પણ છોકરો માંદો પડ્યો ને દાક્તરને બોલાવવા છે તો દાક્તરની ફી ક્યાંથી કાઢવી ? ગાડીના પૈસા ક્યાં છે ? છોકરાનું શરીર માયકાંગલું છે તો જરા પૌષ્ટિક દવા કે ખોરાક ખવરાવવો છે, તો “બાપુ !