ગરીબ માણસને બધું ક્યાંથી પાલવે ?’ એમ કહેવું, તેનું નામ ખોટી ગરીબાઇ છે.
મારો મિત્ર કહે છે તે બરાબર જ છે કે “નાહકનો હું વરઘોડા ને અઘરણીમાં એટલા બધા પૈસા શા માટે ખરચું ? ને ખરચ કરીને ખાલી થાઉં ત્યારે શાનો કહું કે હું મારા બચુને હવે આગળ નહિ ભણાવી શકું ? ખોટા ખોટા ખરચ કર્યા ને બે દિવસ વાહવાહ બોલાઇ તેમાં બચુનું શું વળ્યું ? એ બિચારાને તો ઊલટુ દેવાનો બોજો વહેવો પડશે !”
બધાં બહારથી ફરીને આવ્યાં ને બાએ કહ્યું: “ચાલો, છોકરાંઓ ! પગ ધોઈ લ્યો. રસ્તાની ધૂળ લાગી હશે.”
બા આરોગ્યની દૃષ્ટિએ નાની નાની બાબતોની સારી કાળજી રાખતાં. રોજના મહાવરાથી બાળકો પણ ગંદકી ને સ્વચ્છતાનો તફાવત સમજ્યાં હતાં, અને તેમને પણ કેટલીએક ગંદી બાબતો ગમતી નહિ.
બચુએ કહ્યું : “આ રસુનું જરા મોં પણ ધોવરાવજે. એને કાકીએ એમને ત્યાં ગયાં હતાં તે બચી લીધી હતી. કાકીને તાવ આવતો હતો.”
રસુએ કહ્યું : “અહીં બચી લીધી હતી; અહીં ધોવું પડશે.”