લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
મા બાપ થવું આકરું છે
 

ત્યારે છોકરાંને ત્યાં ખીલા કરી રાખતો નહિ; ઘરની ગાડીમાં છોકરાંઓને બેસારી જ રાખવામાં તે શોભા માનતો નહિ; પોતે મિત્રો સાથે ફડાકા મારવામાં બેસી સાથે આવેલાં બાળકોને કોઇને ભળાવી દઈ તેમને બાગ જોવા મોકલતો નહિ. તે વખતે તે ઉત્તમ પિતા થવા ભારે કાળજી રાખતો હતો બીજી સાંજે એકાદ તળાવે બાળકોને લઈ જતો. ત્યાં તેમને પાણીમાં દોડાવી પાણી ઉછાળી ઊછળાવી બાળકોને મજા આપતો; પાણીનાં વહનો અવલોકાવતો; પાણી ઉપર પવનથી થતી લહરીઓ દેખાડતો; સ્થિર પાણી હોય તો તેમાં પડતાં ઝાડ—ટેકરાનાં પ્રતિબિંબો તરફ ધ્યાન ખેંચતો, અને સંધ્યાટાણે આથમતા સૂર્યનું બિંબ ટેકરી પાછળ જતાં જતાં કે દૂર ક્ષિતિજમાં અદૃશ્ય થતાં થતાં તળાવના ઉપર કેવી રંગબેરંગી છાયાઓ નાખે છે તે બાળકોને બતાવી હર્ષ પામતો; સાંજ, સૂર્યાસ્ત, સંધ્યાના બદલાતા રંગોના તળાવના પાણીમાં પડતા પડછાયા, કુદરતની શોભા અને સમૃદ્ધિ વગેરે વચ્ચે બાળકોને ઊભાં રાખી કુદરતની ભવ્ય ગંભીર છાપ તેમના અંતર ઉપર પડવા દેતો. વળી ત્રીજી સાંજે બાળકોને જનસમૂહનાં દર્શન કરાવતો; રેલવે એન્જિન પાસે તેમને ઊભાં રાખી એન્જિન અને તેના સંચા દેખાડતો; એન્જિન કેમ ચાલે છે તે સમજાવતો. તે ભૂલી જતો કે પોતે દાક્તર છે. છતાં દાક્તર શરીરના ભાગો બતાવે તેમ તે સંચા બતાવતો. તે એન્જિનિયર ન હતો પણ પિતા હતો. પિતાનું જીવન સફળ કરવા તેણે પિતાના ધંધાને લગતું પરચૂરણ કામ જાણી લીધું હતું. છોકરાંઓને પિતા પ્રત્યે ખૂબ આદર રહેતો. તેમના જીવનને નિત્ય નવી નવી વસ્તુથી ભરી દેનાર પિતા જ બાળકોને પિતા લાગે છે, ઘણાં બાળકોને પિતા ફોજદાર લાગે છે, ઘણાંને તે વકીલ