માંડ બે પાંચ ટીપાં પડે. બાપુને ઉતાવળ થઈ ને બાપુ ખેડૂત હતો ત્યાં આવ્યા. બાપુને જોઈ ખેડૂતનું મોં વીલું પડી ગયું. શેરડી કાપે પણ પ્યાલો ભરાય નહિ !
“બાપુ ! આ નથી સમજાતું, આમ કેમ થાય છે તે.”
બાપુએ જ કહ્યું : “એનું કારણ તો હું જ છું. તેં મને શેરડીનો રસ પાયો ત્યારે મને થયું : ‘અહો! આ ખેડૂતને ત્યાં આવું અમૃત છે તો એ કેટલો દ્રવ્યવાન હશે ? કેટલો સુખી હશે ? બસ, આની પાસેથી તો કર બમણો-ચોગણો લેવો જોઇએ.’ આ વિચાર થયો એટલે મારી નીતિ બગડી. મારી રાજાની જે અમીદૃષ્ટિ જોઇએ તેમાં ઝેર ભળ્યું; ને એજ આ રસ નથી નીકળતો એનું કારણ છે!”
આ અમીદૃષ્ટિ એ ભારે મહત્ત્વની વસ્તુ છે.
ખેતરનો પાક ખાતરપાનથી તો થાય છે, પણ ખેતરને શેઢે કે માળે બેઠેલો ખેડૂત પોતાના લીલા હરિયાળા ખેતરને જોઇને મલકાયા કરે છે, અંતરમાં રાજી રાજી થાય છે, ને હોંશે હોંશે પક્ષીઓ ઉડાડે છે ને પાણી પાય છે, ત્યારે તે ખાતરપાનનું યે ખાતરપાન–પોતાનું અમીભર્યું અંતઃકરણ રેડે છે. અને તેનાથી તો આખો પાક પોષાય છે.
જેણે પોતાનાં ઉછેરેલાં ફૂલઝાડો ને ફૂલવેલીઓની સામે જોઇને ઊભેલા માળીને જોયો હશે તે કહેશે કે માળી માળો એકલા પાણી ને ખાતરથી બાગ નહિ કરતો હોય; એની મીઠી નજર એનાં ફૂલોને હસાવતી હશે, એનો કોમળ સ્પર્શ વેલોની પાંદડીએ પાંદડીએ રસ મૂકતો હશે. માળી ફૂલ જોઇને હરખી ઊઠે છે. કોઈ ફૂલને તોડે તો એનો જીવ કળીએ કળીએ કપાય ! પાતે ફૂલને તોડે તોપણ કેટલી