લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમીદૃષ્ટિ
૧૩૫
 

સાચવણથી; વેલને ઝાડ ઉપર ચડાવશે તોપણ રખે ને કંઈ થઈ જાય એવી કાળજીથી. આનું નામ માળીની અમીદૃષ્ટિ. આ અમીદૃષ્ટિમાં ફૂલો ખીલે છે ને વેલ પાંગરે છે.

દૂધ દોહતી વખત ગોવાળને ગાયને ગળે હાથ ફેરવતો આપણે જોયો છે. ગાય ચરીને આવી છે, ખાણ ખાય છે, તેથી તે દૂધ આપે છે; પણ જ્યાં ગોવાળ ‘બાપો, બાપો!’ કરીને હાથ ફેરવે છે ને શીંગડીએ ચળ કરે છે, ત્યાં ગાય કેટલો યે વધારે પારસો મૂકે છે! ઘણા લોકોને તો ખાસ ગોવાળા પાસે જ ગાય દોવરાવવી પડે છે. કહેવાય છે કે ગાય એને હળેલી છે. એનો અર્થ એ કે ગોવાળમાં એવી અમીદૃષ્ટિ રહેલી છે કે ગાય તેને લીધે અમૃત જેવા દૂધને આંચળમાંથી ઊભરાવા દે છે.

અને મા જ્યારે બાળકને ધવરાવવા બેસે છે ત્યારે એને જેણે જોઈ હશે, તે જ કહેશે કે બાળક દૂધથી મોટું થતું હશે કે અમીદૃષ્ટિથી. મા મનમાં પેાતાને પણ ખબર ન પડે તેમ વિચારે છે : “આ મારો પ્રાણ, આ મારુ ચેતન, આ મારું સર્વસ્વ! અને હું પ્રાણને પ્રાણ આપું છું. ચેતનથી ચેતન આપું છું. મારા પ્રાણ આ દૂધ વાટે એનામાં ભરું છું. આ દૂધ દૂધ નથી પણ અમૃત છે!” આ કાવ્ય નથી; માના હૃદયમાં જે અકથ્ય ભાવો છે તે આ જ છે. મા દૂધ નથી પાતી પણ પ્રેમામૃત પાય છે, ને એનાથી મનુષ્યબાળક જીવંત રહી મોટું થાય છે.

આ બધી અમીદૃષ્ટિઓ છે. પ્રજા રાજાની અમીદૃષ્ટિમાં, બાગ માળીની અમીદૃષ્ટિમાં, ખેતર ખેડૂતની અમીદૃષ્ટિમાં ને બાળક માની અમીદૃષ્ટિમાં ઊછરે છે ને મોટું થાય છે.