કેમ આવો છો ? તમે અમારા બાલમંદિરમાં સોમવારે રજા હોય છે તે દિવસે સવારથી આવતા હો, તો કેવી મજા પડે ? તો તો આખો દિવસ ગમ્મત થાય.”
લક્ષ્મીદાસ : “લે, ગાંડા ! હું તો રોજ અહીં જ છું; અહીં જ રહું છું.”
રસિક : “ના ના, ખોટી વાત; ખોટું બોલો છો. તો તો હું તમને દેખું ના !”
લક્ષ્મીદાસ : “એ તો તું રોજ સૂતો હોય છે તે પહેલા મારે બહાર જવું પડે છે.”
રસિક : “એટલું બધું વહેલું ?”
લક્ષ્મીદાસ : “હાસ્તો દરદીઓને તપાસવા સારુ વહેલાં જવું પડે છે.”
રસિક : “ઠીક; પણ તમે અહીં રહેતા હો તો પાછા ક્યારે આવો છો ?”
લક્ષ્મીદાસ : “બપોરે જમવા આવું છું, પણ તે વખતે તમે બધાં નિશાળે ગયાં હો છો.”
રસિકે બા તરફ જોઈને પૂછ્યું : “હેં બા ! સાચી વાત ?”
બા કંઈ બોલી નહિ.
રસિક કહે : “એ તો કોણ જાણે. એકવાર બાલમંદિરમાં નહિ જાઉં એટલે ખબર પડશે.”
લક્ષ્મીદાસ : “પણ સોમવારે તારે રજા હોય જ છે ના ? તે દિવસે હું બપોરે ઘેર જ હોઉં છું ના ?”