રસિક : “મારે હવે જોવું જોઈશે. ગયા સોમવારે અમે સવારથી સાંજ સુધી માશીને ત્યાં ગયા હતા; અને પહેલાંના સોમવારે અમારે બાલમંદિર હતું.”
વચ્ચે બાએ કહ્યું : “તે પહેલાંના બે સામવારે તો તમારે જ બહારગામ જવાનું બન્યું હતું. રસિકનું કહેવું ખરું છે; લગભગ દોઢ બે માસથી સોમવારે બપોરે તમે કોઈ ભેગા થયા જ નથી.”
લક્ષ્મીદાસે ભવાં ચડાવી ડોકું ધુણાવ્યું.
રસિક કહે : “પણ રાતે ય તમે નથી દેખાતા. કાકા, મોટા ભાઈ, મોટીબેન, બધાં ય અમે સાથે જ જમીએ છીએ; પણ તમે નથી હોતા.”
બાએ જરા કટાક્ષમાં કહ્યું : “એ તો રાતે રોજ ક્લબમાં જાય છે. તું ઊંઘી જાય ત્યારે આવે છે; કોઈ વાર તો બહુ મોડા આવે છે.”
બાને ક્લબ નહોતી ગમતી. આખો દિવસ પ્રેક્ટીસ માટે બહાર રહેવું પડે એ તો ઠીક, પણ મોડી રાત સુધી પાછું ક્લબમાં રહેવું તેને સારું નહોતું લાગતું. બાએ આ પ્રસંગે લાગ જોઈને આટલો કટાક્ષ કર્યો.
પણ લક્ષ્મીદાસને માટે આટલો કટાક્ષ પણ બસ હતો; અગર તેટલાની પણ તેને જરૂર ન હતી. રસિકે પહેલો પ્રશ્ન પૂછ્યો ત્યારથી જ તેણે અંતરમાં વિચાર કરવા માંડ્યો જ હતો; તેની આંખ આગળ તેનું આખા દિવસનું કાર્ય તર્યું. એક વાત તેને સ્પષ્ટ દેખાઈ; જે બાળકો માટે પોતે આખો દિવસ કમાયા કરે છે, તેમને પૂરું મળાતું પણ નથી ! રસિક સૂતો હોય ત્યારે બહાર જવાનું અને ઊંઘતો હોય ત્યારે ઘેર