આવવાનું; એ સ્થિતિ કેવી શોચનીય અને ભયંકર ! “આમાં ક્યાં હું એના ઊછળતા બાલજીવનમાં આનંદ અને રસ ભરી શકું ? મારાં પ્રિય ફરજંદોની સાથે રમવા–ખેલવા અને તેમની સાથે આનંદ અનુભવવાનો લહાવો હું હાથે કરીને જ છોડી દઉં છું!”
રસિકે ફરી વાર બાપાની દાઢીએ હાથ ફેરવી કહ્યું : “બાપુ! કેમ બોલતા નથી ? ચાલો એક ગમ્મત કરી હસાવો. પાછા તમે તો કેટલા યે દિવસે દેખાશો.”
રસિકના છેલ્લા બોલે લાગેલું તીર લક્ષ્મીદાસની છાતીમાં વધારે ઊંડુ ઊતર્યુંં, ને અંતરને ભેદી નાખ્યું.
લક્ષ્મીદાસે કહ્યું : “ત્યારે હું રોજ સાંજે આવું ને રોજ આપણે ગમ્મત કરીએ, તો ?”
રસિકના ગાલ લાલ થઈ ગયા. તેણે ગળે બાઝી પડી કહ્યું : “તો હું તમને રોજ રોજ એક એક ટીકડી આપીશ !”
સૌ હસી પડ્યાં
લાગણીથી ઘેરાયેલું વાતાવરણ એ હાસ્યથી જરા હળવું થયું.
લક્ષ્મીદાસે કહ્યું : “જો, રસિક! હવેથી હું ક્લબમાં નહિ જાઉં, અને દવાખાનેથી સીધો ઘેર આવીશ. પછી આપણે સૌ સાંજે ફરવા જઈશું. હવે છે કાંઈ ?”
રસિકને સારું લાગ્યું; રસિકની બાને તો મનમાં હાશ થયું.
તે દિવસથી જ લક્ષ્મીદાસભાઈએ ક્લબમાં જવાનું બંધ કર્યું; એટલું જ નહિ પણ પ્રેક્ટીસને બહુ વિશાળ કરવાનું