લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડધો દિવસ બગડ્યો !
૧૧
 

માંડી વાળી કાંઈક ઘરમાં રહેવું, બાળબચ્ચાં સાથે આનંદ લેવો, એ તરફ જવાનું શરૂ કર્યું.



[૩]
અડધો દિવસ બગડ્યો!
 

કંઈક તહેવારનો દિવસ હતો. અત્યારે બરાબર યાદ નથી.

તેની આગલી રાત્રે મણિલાલના ઘરમાં ખૂબ ઉત્સાહ હતો. છોકરાંઓ કૂદતાં હતાં ને કહેતાં હતાં : “હૈયા, કાલે મજા પડશે !” મણિલાલ અને રેવાબેન બધી ગોઠવણ વિચારતાં હતાં.

મણિલાલ મારા પાડોશી ને એક રીતે મિત્ર.

સવાર પડ્યું ને મણિલાલ ગામમાં શાક લેવા ગયા. રેવાબેન ઊઠ્યાં ને છોકરાંઓને ઝટપટ નવરાવવા–ધોવરાવવા મંડ્યાં. રેવાબેનને ઘણું યે કામ કરવાનું હતું.

પાડોશણ આવીને કહે : “રેવાબેન ! જરા આવો તો, આ મારા ભાણાને પેટમાં દુખે છે તે ?”

સાપે છછુંદર ગળ્યા જેવું થયું. જાય તો વખત જાય, ન જાય તો માઠું લાગે !

કીકાને નવરાવી લઈ રેવાબેન ભાણાને જોઈ આવ્યાં. પાછાં વળતાં બબડ્યાં : “એમાં બતાવવું’તું શું ? જરાક કંઈક થયું કે આ મને બોલાવી જ છે? અમારે તે કાંઈ કામબામ હશે કે નહિ? જાય નહિ વૈદ્ય પાસે !”