લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
મા બાપ થવું આકરું છે
 

રેવાબેન જરા મનમાં બોંસાયાં, નવરાવેલો કીકો ઘરમાં કપડાં હાથે કાઢી પહેરતો હતો; કીકાએ કપડાની ટ્રંક આખી ફેંદી નાખી હતી !

રેવાબેન જીવી દીકરી પર જરાક ઊતર્યા: “જોતી નથી એલી જીવલી ! આ કીકાએ બધું ફેંદી નાખ્યું તે? કર કીકાને કોરો, ને મૂકી દે આ બધાં કપડાં !”

કીકો રડવા લાગ્યો; જીવીનું મોં ચડ્યું. તે કહે : “એમાં હું શું કરું? કીકો એવો છે એમાં ?”

રેવાબેન કહે : “ત્યારે કપડાં રખડવા દે. જો, આજે ગડબડ કરવી છે ને? અને તારા ભાઈ હમણાં આવશે ને કહેશે, આ ગડબડ શી છે ?”

જીવી મોં નીચું ઘાલી બોંસાતી બોંસાતી કામ કરવા લાગી, રેવાબેન પપડતાં હતાં.

રેવાબેને જમુને નાહવા બોલાવ્યો, પણ જમુ પાટીમાં એકડા લખતો હતો. તે કહે : “આવું છું, બા હમણાં આવ્યો.”

રેવાબેન કહે: “મારે ખોટી ક્યાં સુધી થવું? હજી તો શીરો કરવો છે ને શાક તો હજી આવ્યું યે નથી ! જો, ખાઇપીને સૌને બાગમાં જવું છે.”

જમુ કહે : “એ... આવ્યો.”

પણ ત્યાં તો રેવાબેન આવ્યાં ને પાટી ફેંકી દીધી ! પાટીના કટકા થયા ને જમુ રડવા લાગ્યો. “ચાલ, રડે છે શું ? ક્યારની કહું છું તે સારતો નથી ?” રેવાબેન ગુસ્સે થયાં.

ત્યાં મોટો દીકરો ચંપક આવ્યો. રેવાબેન કહે : “અલ્યા અત્યારમાં ક્યાં ગયો હતો ?”