બાર ઉપર એક વાગે ખાવાનું થયું. રેવાબેને બધું તૈયાર કર્યું ને સૌને જમવા બોલાવ્યાં.
કીકો, જીવી, ચંપક, નીચાં મો લઈને જમવા આવ્યાં; મણિલાલ પણ અબોલ આવીને બેઠા. રેવાબેન પણ કોની સાથે બોલે ને કોને બોલાવે ?
બધાં મૂંગાં મૂગાં જેવું તેવું જમ્યાં. કોઈનાં મન હરખમાં ન હતાં; મણિલાલનો જીવ તો બળી બળીને ખાખ થઈ ગયો !
જમી ઊઠ્યાં, સૌએ ગળ્યું ખાવાનું ખાધું; પણ કાલે વાતો કરી હતી એટલો યે સ્વાદ એમાં ન આવ્યો. બધાંએ પાનબાન પણ ખાધાં પણ કંઈક રીસમાં, કંઇક અણઉમંગમાં.
મણિલાલને થયું કે હવે કાંઈક સુધારું તો ઠીક. પણ રેવાબેનની નાડ હજી જોરથી વહેતી હતી. તેણે ય કંઈક ખાધું ખરું, પણ એવું સરખું.
આમ સૌનો અડધો દિવસ બગડ્યો!
ધારો કે એ દવા તો આખરે નિર્દોષ નીવડી ને રંભાને કંઈ ન થયું. પણ એ શીશીમાં ઝેર જ હોત, અને અનેક ઉપચારો કર્યા છતાં રંભા મરણશરણ થઈ હોત, તો ? અગર ભયંકર માંદગીની ભોગ થઈ પડી હોત, તો ?