લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
મા બાપ થવું આકરું છે
 

તો તે દિવસની બેદરકારી એ ગુનાઈત કૃત્ય ન ગણાત ? અને ન ગણાત કે ગણાત એનો પ્રશ્ન જ ક્યાં છે ? એ કૃત્ય ગુનાઈત જ ગણાય. કારણ કે એમાં કેટલું બધું જોખમ ભર્યું હતું તે તો અડધો કલાક થઈ રહેલી મૂંઝવણ જ કહી બતાવે છે.

એ શરમાવનારી અને ગુનાઈત હકીકત આ પ્રમાણે બનેલી:

રંભાને તાવ આવતો હતો; મૅલેરિયા હતો. રંભાની બા પુષ્પાબેને રામનાથને કહ્યું : “આજે પણ રંભા બેચેન છે. એક ક્વિનાઈનનો ડોઝ આપો જોઇએ?” પુષ્પાબેને તાજું આવેલું માસિક પત્ર ઉઘાડ્યું હતું, ને તે ઉપર તે નજર નાખતા હતાં; રમાનાથ ઉતાવળમાં હતા; નોકરી પર જવાનો વખત થઈ જવા આવ્યો હતો. તેઓ ક્વિનાઈનના ડોઝની શીશી જ્યાંત્યાં શેાધવા લાગ્યા. આ ઓરડીમાં, પેલી ઓરડીમાં, સૂવાના ખંડમાં, વાચનાલયમાં, બધે ય ઝટઝટ આંટો મારી આવ્યા; બાટલી ન જડી. રમાનાથ કહે : “જુઓ તો જરા, બાટલી ક્યાં હશે ? મને તો નથી જડતી.”

પુષ્પાબેને રસાડામાં જતાં જતાં કહ્યું : “જરા ફરી વખત જુઓ ને? હું કામમાં છું.”

રમાનાથ અધીરો થઇ ગયો હતો. ઉતાવળમાં બીજી વાર ચક્કર માર્યું; એક બાટલી હાથ લાગી. રંભાને પરાણે મોં ફડાવી દવા રેડી.

રંભા કહે : “હાશ, આજ તો જરા યે કડવું ન લાગ્યું. આજ તો સોપારી યે નહિ ખાવું પડે ને પાણી યે નહિ પીવું પડે.”

રમાનાથ ચમક્યો : “અરે ! આ શું ! ક્વિનાઇન નહિ ? ત્યારે મેં શું પાયું ?”