લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મા બાપ થવું આકરું છે
 

રમાનાથને હાશ થયું; તેના મોં પર જરા હોંશ આવી.

ડૉક્ટર કહે : “જુઓ, રમાનાથ ! આ તો જાણે થઇ ગયું. પણ તમારા જેવા ભણેલાને શો ઠપકો આપવો ? તમે એટલું પણ ન કરો કે દવાની શીશી પર દરદીનું નામ રાખો ? તમે સમજુ છો, વાંચનાર છો, ભાષણ કરો છો, લેખ લખો છો ને આટલી સાદી વાત ન કરો? પુષ્પાબેન પણ ભણેલાંગણેલાં છે; એ પણ એટલું ન કરે? આ તો જાણે ઠીક થયું; પણ આવામાં તો મરણ થાય ને બાળક હાથમાંથી જાય !”

રમાનાથ શરમાઇ ગયા. ડૉક્ટરનું કહેવું સાચું હતું.


[ પ ]
એટલો બધો કયા કામમાં હતો?
 

ચંદન તાવને લીધે પથારીમાં તરફડિયાં મારતી હતી. ૧૦૫ ડિગ્રી તાવ છે એમ સાંભળી એની બા ચિંતાથી ઊભી હતી શંકર પટાવાળો દોડતો દોડતો બરફ લેવા ઊપડી ગયો હતો. જીવનભાઈ દાક્તરને બોલાવવા ક્યારના ગયા હતા.

ચંદનનું માથું દાબતાં દાબતાં હું મારા મનમાં ગણગણ્યો: “ આ ચંદનને તાવ કેમે કરી ઊતરતો જ નથી. બેપાંચ દિવસ થાય છે ને આવીને ઊભો જ રહે છે. દવા તો કેટલા યે દિવસથી ચાલે પણ કારી ફાવતી નથી.”

ચંદન ખૂબ ગભરાતી હતી; માથા ઉપર હાથ પછાડતી હતી. તેના માથાનો દુખાવો અત્યંત હતો. એની બા બોલી: