એવી છે કે દવા પીવાના કજિયા! એ આવી છે એટલી તે એટલી પડી! એક ટીપું યે પીધી નથી.’
ચંદને સાચે જ દવા પીધી ન હતી.
દાક્તર જરા ખિજાઈને બોલ્યા : “ત્યારે તાવ કેમ અટકે? આ આજની દવા તાવ અટકાવવાની હતી પણ ચંદને તો પીધી જ નથી ! પાવી હતી તો ખરી ?”
ચંદનની બા ભભક્યાં : “ઘરમાં કોણ છે જે દવા પાય ? હું આ ઘરનું કામકાજ કરું, રસોઈ કરું, નાનાં છોકરાંને નવડાવું–ધોવરાવું કે દવા પાઉં? હવે તો હું હરવાળી છું, ને ચંદને તો માથું ફેરવી દીધું છે. દવા પીવી નહિ ને માંદાં પડવું!”
ડાહ્યા દાક્તરે કહ્યું : “આપણે જરા બહાર બેસીએ; ચંદનને ગડબડ થાય છે. ચંદન માટે આ દવા આણી છે તે પાઈ દ્યો; હમણાં તાવ ઊતરશે.”
મોઢું ચડાવીને એની બા ચંદન પાસે બેઠાં, અને દાક્તર અને હું બહાર આવ્યા. દાકતરે મને કહ્યું: “ભલા માણસ ! ચંદનની બા તો એવાં છે, પણ તમે પણ એવા કેવા કે દવા પાવાની જ આળસ ! છોકરાં કાંઇ એની મેળે દવા થોડીક જ પીએ છે ?”
મેં બચાવ કરવા પ્રયત્ન કર્યો: “પણ દાક્તર સાહેબ! હું જરા કામમાં હતો.”
દાક્તર મિત્રભાવે ચિડાઈને બોલ્યા : “એટલા બધા તે કયા કામમાં હતા ? દિવસમાં ત્રણ વખત દવા પાવાની, એમાં તે કેટલાક કલાક જતા હશે? કેટલું કામ ખોટી થઈ જતું