હશે? એમ કહોને કે દવા પાવાનો સૌને કંટાળો ને સૌને આળસ ! અને પછી ‘દાક્તર દવા નથી આપતા, સારી દવા નથી આપતા, બીજે ગામ જવું જોઇએ.’ એવું બીજાને માથે નાખી દેવું ? તમારી બધાની – અને સમજુ છો છતાં આવી કુટેવ તે કેવી ?”
હું સડક થઈ ગયો; કંઇ જ બોલ્યો નહિ. દાક્તર મારી શરમ જાણી ગયા તે ‘સાહેબજી’ કહી સૂચનાઓ આપીને ઘેર ગયા.
ચંદનનું માથું ચાંપતો ચાંપતો હું વિચાર કરવા લાગ્યો. વારંવાર હું જાતને પૂછવા લાગ્યો : “એટલો બધો કયા કામમાં હતો ? સવારમાં ઊઠીને છાપું વાંચ્યું એ એટલું બધું કામ કહેવાય ? છાપું વાંચી હાથે હજામત કરી ચા પીધી એ એટલું બધું કામ કહેવાય ? ચા પીને ટપાલ વાંચી એ એટલું બધું કામ કહેવાય ? ટપાલ વાંચીને મિત્રો આવ્યા તેમની સાથે ફડાકા માર્યા એ એટલું બધું કામ કહેવાય ? એમાં અગિયાર વાગી ગયા ને નવ વાગ્યાનો પહેલો ટંક દવા ન અપાઈ, તે શું એટલા બધા કામને કારણે ? અગિયાર વાગે જમ્યા ને જરા આરામ લીધો; સાડા બારે ઊઠ્યા ને જરા ચોપડી ફેરવી; એટલામાં બીજો ટંક ચાલ્યો ગયો. એટલા કામને કારણે બીજા ટંકની દવા રહી ગઇ ! અને ચંદન તો છોકરું, કડવું ક્વિનાઈન પીવું કેમ ગમે ? શું કામ દવાનું સંભારે ? અને એની બાને તો હું જાણું છું. દાક્તરને કેવું સંભળાવતી હતી ? ત્રીજા ટંકની દવા અપાય તે પહેલાં તો તાવ આવ્યો ને દોડાદોડ થઇ રહી. દાક્તર ખરું કહે છે કે મારો જ વાંક છે. દવા આપ્યા વિના સાજા થવાની વાત