બાળકો નાનાં છે; તેમનો આદર્શ આપણે મોટાં છીએ. તે આપણા પ્રમાણે આચરે તો દોષ કોનો ?
જો સ્ત્રીપુરુષ હમેશાં એકબીજાનું ન માનતાં હોય તો દુનિયા ચાલે જ નહિ. એકબીજાં એકબીજાનું માને છે એમાંથી જ આ સંસાર ચાલે છે. પણ એટલું છે કે વારંવાર તેઓ અથડાઈ પડે છે. આ અથડામણ પરસ્પર વધારે નજીક આવવા માટે પણ હોય છે; એકબીજાંનો વધારે મજબૂત સાથ અને ટેકો મેળવવા માટે પણ હોય છે. ઘણી વાર એક અથવા બીજાનું અજ્ઞાન, ટૂંકી બુદ્ધિ, વગેરે કારણો પણ અથડામણની પાછળ હોય છે. અથડામણ એ સ્વાભાવિક છે; પણ તેનો ગેરલાભ બાળકોને ન મળવો જોઇએ.
માબાપોના બધા વ્યવહારો બાળકોને જણાવવા જોઇએ, એ બાળકેળવણીનું સૂત્ર નથી અગર સત્યની ઉપાસનાનું તત્ત્વ નથી. ઘણી બાબતો એવી છે કે જે બાળકો યથાકાળે જ જાણે. માબાપોની અથડામણ પણ માબાપો જ જાણે; પોતાની અથડામણ બાળકો ન જાણે એમ થવું જોઇએ; અર્થાત્ બાળકો સમક્ષ માબાપોએ ઉતાવળાં થઈ મતભેદને કારણે કે ગમે તે કારણે સામસામે લડી પડવું ન જોઇએ, અગર એકબીજાંથી વિમુખ થઈ બેસવું ન જોઈએ, અગર એકબીજાંનો તિરસ્કાર કરી એકબીજાંને અનાજ્ઞાંકિત ન બનવું જોઈએ કેમકે માબાપોના મનમાં ઊભા થયેલા વિસંવાદનાં કારણો ઘેરાયેલા આકાશનાં વાદળાંની જેમ ગમે ત્યારે વીંખાઈ જાય છે, અને આખરે તો પરસ્પરમાં રહેલો નિર્મળ આકાશ જેવો પ્રેમ ઊઘડે છે; પણ બાળકો તો તેમને પેલાં વાદળાંના અંધકાર અને ગડગડાટથી જ ઓળખે છે, અને તે રીતે તેમનો ન્યાય તોળે છે. આથી ઘણી વાર ગેરસમજણને કારણે બાળકો માબાપો