લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
મા બાપ થવું આકરું છે
 

પ્રત્યેથી વિમુખ થાય છે, ઘણી વાર તેમને ધિક્કારતાં બને છે, અને તેમના પરત્વે અનાજ્ઞાંકિત બને છે. માબાપોએ પોતાની અથડામણ સાચવી લેવી એ ઢોંગ નથી પણ વાજબીપણું છે. એમ સાચવતાં સાચવતાં કદાચ માબાપો એવી અથડામણમાંથી મુક્ત પણ થઈ જશે. અર્થાત્‌ બાળકો આગળ તો માબાપનાં જે સાચાં પ્રેમાળ અંતઃકરણો છે, જે શુદ્ધ આકાશ છે, તે જ આખરે આવવું જોઇએ-કારણ કે તે સત્ય છે, શાશ્વત છે, જ્યારે વાદળાં તો ક્ષણિક છે.

[ ૭ ]
એ તો રોયો નીંભરો છે
 

: ૧ :

“એલા ખાવા ઊઠે છે કે? આ ખાવાનું ઠરી જાય છે. ક્યારની કહું છું તે સારતો નથી, રોયા!”

“એ બાડી! આ ઘડીએ આવ્યો. આ એક છેલ્લો ખાડો ખોદવો છે.”

“એ તારો ખાડો ખાડામાં પડ્યો. જમવા ઊઠે છે કે નહિ ? મારે તે બેસી ક્યાં સુધી રહેવું?”

“લે, આ આવ્યો બા! આ ખાડો ખોદાઇ રહેવા આવ્યો છે.”

“હવે ઊઠે છે કે નહિ ? નીકર આ એંઠા હાથે આવીને ધખાડી નાખીશ. રોયા નીંભરા ! કહી કહીને જીભના કૂચા વળી ગયા તો ય તે તારે તો ગગનમાં ગાજે છે !”