“બાડી ! આ હાથ ધોઇને આવ્યો.”
“આ રોયા નીંભરાનું કરવું શું?”
“આ છનકાને આજ બે સોટી મારો.”
“છે શું ? એલા છનકા! આમ આવ જોઇએ.”
“એ માર્યાના જ લાગનો છે. આજ તો બે સોટી સબોડો; એ વિના મારું નહિ માને.”
“પણ હતું શું?”
“રોયો નીંભરો થઈ ગયો છે.”
“પણ હવે પાણી લાવ; જરા તરસ લાગી છે. આ પાઘડી તો ઉતારવા દે !”
“પાઘડી પછી ઉતારજો. એકવાર આ છનકાનું કરો. જુઓ કેવો ગરીબગોલો થઈને મિયાંની મીંદડી જેમ ઊભો છે!”
“એલા છનકા ! શું કર્યું ?”
“બાપુ ! કાંઈ નથી કર્યું. એ તો હું કોડીઓ દાટવા ફળિયામાં ખાડા ગાળતો’તો. બાએ કહ્યું કે ઝટ જમવા ચાલ; ઠરી જશે. મેં કહ્યું, આ ખાડો ગાળીને આવું છું. ત્યાં તો બા ખિજાઈ ગઈ !”
“જરાક ખમવું’તું. એમાં કેટલી વાર ?”
“તે હું ક્યાં સુધી રસોડામાં બેસી રહું ? ત્યાં ઉનાળામાં ચૂલા પાસે બેસી જુઓ તો ખબર પડે!”
“તો જરાક ઢાંકી મૂકવું’તું; ખાઇ લેત એની મેળે.”