મા કહે : “અરે બાઈ ! મેં તો ઘણી યે ના પાડી. ના કહીને તો જીભના કૂચા વળી ગયા. પણ રોયો માને એવો ક્યાં છે? આ લ્યો, માબાનું ન માને તે આમ જ થાય ના ?”
પાડોશીઓ કહે : “હા બાપુ ! રોયાં આજકાલનાં છોકરાં જ એવાં થઈ ગયાં છે. માબાપનું તો માને જ શાનાં? ને પછી આવા જ હાલ થાય ના ?”
છોકરો તો મગરના પેટમાં ગયો. પણ કાંઈ કાચો ન હતા. કેડે છરી તે કાઢીને મગરનુ પેટ કાપ્યું ને ભાઇસાહેબ બહાર નીકળ્યા ! દોડતા દોડતા ઘેર આવ્યા ને માને કહે : “કાં, કહેતી’તી ને કે માનતો નથી તે મરી જઇશ ?”
આફ્રિકામાં ચાલતી એ એક વાર્તા છે. વાર્તા સાવ ખોટી છે. પણ તેમાં રહસ્ય છે. આપણે ત્યાંના દાખલા લઇએ. છોકરો કહે છે : “બા ! મારે નિસરણીએ ચડવું છે.” બા કહે છે : “નથી ચડવું.” છોકરો માનું કહેવું માનતો નથી ને ચડવા લાગે છે. મા કહે છે : “રોયા ! પડી જઇશ, હો!” છેાકરો ચડીને પાછો ઊતરે છે, ને કહે છે : કાં, કહેતી’તી ને કે પડી જઈશ ?”
નાનું બાળક કહે છે : “બા ! હું પાટલી લાવું ? દૂધની ટબૂડી લાવું ? ફલાણુ લાવું ? ફલાણું લાવું ?” મા કહેશે: “ના, નથી લાવવું, તારા હાથમાંથી પડી જાય.” બાળક કહે છે : “ના, હું તો લાવીશ.” “રહેવા દે, ભાઈ ! પડી જઈશ ને પગ ભાંગશે.”