‘હા’ ‘ના’ ચાલુ હોય છે એટલામાં બાળક વસ્તુ લાવે છે ને કહે છે : “કાં, કહેતી’તી ને કે પગ ભાંગશે ? પગ તો કાંઇ ન ભાંગ્યો.”
આવું હમેશાં ઘરોમાં બન્યા જ કરે છે. મા ‘ના’ કહે છે; છોકરો કરવા જાય છે. મા ‘ના’નું કારણ બતાવે છે; છોકરો તે ખોટું પાડી બતાવે છે. માને લાગે છે કે છોકરું કહેવું માનતું નથી ને બાંગરુ થઇ ગયું છે. છોકરાને થાય છે કે મા નકામી ના પાડે છે ને વળી ખેાટું સમજાવે છે. મા કહે છે કે ‘આમ થશે ને તેમ થશે.’ છોકરું સિદ્ધ કરે છે કે ‘તેમ ન થયું.’ મા છોકરાને કામ કરતું રોકવા જાય છે; છોકરું માને કામ કરી પાછી પાડે છે. પરિણામે માને ના કહ્યા કરવાની અને છોકરાને ન માનવાની ટેવ પડે છે.
આપણને આપણું કહેવું મનાવવાનો અજબ જેવો શોખ છે. એ માટે આપણે બાળકને ધમકાવીએ છીએ, મારીએ છીએ. વખતે વખતે લાલચ આપીએ છીએ. કહેવું ન માનનારના આ હાલ થયા ને તે હાલ થયા, એવી ‘માખી અને તેનું બચ્ચું’ની વાર્તાઓ કહીને તેના ઉપર ઠસાવવા માગીએ છીએ કે બાળકે મોટાનું માનવું જ જોઇએ; જો ન માને તો પાપ થાય, નદી તાણી જાય, અથવા ઊના ઉનામણામાં પડીને મરી જાય, કે તેને મગર ખાઇ જાય. પરંતુ ‘ના’ની ઉપરવટ થઇને કામ કરતું બાળક તુરત જ શોધી કાઢે છે કે માબાપનું કહેવું સાવ બનાવટી છે. કદાચ માબાપના કહેવા પ્રમાણે થાય છે તો ત્યાં પણ બાળક પોતાના અનુભવથી સમજી શકે છે કે આ તો પોતાને ચાલતાં ન આવડ્યું તેથી પડાયું, નહિ કે ના પાડી હતી તે છતાં રમવા આવ્યું હતું