લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
મા બાપ થવું આકરું છે
 

મને લાગ્યું માને બાળક ખોટનું કે બહુ પ્રિય હશે; ને સાથે જ તેને થયું હશે કે રખે ને મારો દીકરો પાણીમાં પડે ને ડૂબીને તણાઈ જાય !

બેશક અહીં માનો તો પુત્ર પ્રત્યે પ્રેમ જ છે; તેની સાચવણુ માટે જ તેણે બાળકને પાણીમાં પડવાની ના પાડી છે. અને ખરેખર બાળક પાણીમાં પડ્યા વિના ઘેર પહેાંચશે એટલે માને તો પોતાની શિખામણ આપીને મોકલવાની કે મનાઇહુકમ કાઢવાની રીતિમાં વધારે વિશ્વાસ બેસશે. પણ આ તો માતાની દૃષ્ટિએ.

બાળકની દૃષ્ટિએ માતાનો જે આ પ્રેમ છે તેની પાછળ હૃદયની લાગણી છે તેનો ઇન્કાર ન કરી શકાય. છતાં એમાં અજ્ઞાન છે અગર તો પ્રેમની લાગણીની વિકૃતિ છે. માના મનમાં સહજ હોય છે કે પોતાનું બાળક સુરક્ષિત રહે; પણ એ સાથે જ માનું મન માગે છે તે માગવું જ જોઇએ કે મારું બાળક શરીર, મન અને સર્વ શક્તિમાં વિકાસ પામે. બાળક પરત્વેનું અતિ મમત્વ આડે આવી તેના જ વિકાસમાં ઊભું રહે તો તે માતૃપ્રેમ નથી પણ માતૃસ્વાર્થ છે. બાળકને કશી ઇજા થાય એ જોવા મા ન માગે; પણ સાથે જ બાળક નિષ્ક્રિય અને અશક્ત રહે તેની ચિંંતા મા ન રાખે તો માની બુદ્ધિ અને લાગણી અણવિકસી અને અંધ ગણાય.

ધારો કે પેલા ભાઇ વીશ વર્ષની ઉંમરે તરતાં ન આવડવાને કારણે જ એકાદ પૂરમાં તણાઇ જાય છે, જ્યારે તેના સાથીઓ નદીમાં પડીને નિર્ભય બની આસ્તે આસ્તે તરતાં શીખ્યા છે તેથી તેઓ બચી જાય છે. તે વખતે આ માતાના મનને શું થશે ? તે કપાળ કૂટી કહેશે: “અરે, હું કેવી