હું એક મિત્રને ત્યાં બેઠો હતો. નાના બાળકનું ઉપરાણું લેતાં એમનાં માતુશ્રી અમારી પાસે આવ્યાં ને કહ્યું : “આ ઓલ્યા લખુને ધમકાવો. આપણી નાનીને એવી રીતે દોડાવી કે એ પડી જાત ને એને લાગત.”
મિત્ર સમજુ હતા. માતુશ્રીના ક્રોધને જોઈ લીધો, નાનીની આંખમાંનો ફરિયાદનો જુસ્સો પણ જોઈ લીધો, ને ધીરેથી હસીને કહ્યું : “પણ લાગ્યું તો નથી ના ? બસ; હવે પત્યું ?” માતુશ્રી ચિડાયાં : “પણ લાગી જાત તો ? હાથપગ ભાંગી જાત ના? આપણે એ ન ચાલે. લખુ લાડકો હોય તો એના ઘરનો !”
મિત્રે વળી હસીને કહ્યું : “પણ લાગ્યું તો નથી ના ?”
“પણ લાગત એનું શું ?” માતુશ્રી વધારે ચિડાયાં અને બબડતાં ચાલ્યાં ગયાં. “આવવા દે લખુડાને કાલે અહીં. હું જ એને ઘઘલાવીશ !”
મારા મિત્રનું વર્તન યોગ્ય હતું; એમ જ જોઈએ. “ફલાણું આમ થઈ જાત.” તે ઉપર લડવું વઢવું એ કેટલું મૂર્ખાઈ ભરેલું છે, પણ આપણને સ્પષ્ટ નથી. બે બાળકો વચ્ચે આવા કોઇ પ્રસંગો બને છે કે તુરત જ આપણે “આમ થાત, આમ થાત, આમ થાત.” એમ કહીને પોકાર કરી ઊઠીએ છીએ, બળાપો કરીએ છીએ, ને પરસ્પર વચ્ચે કલહનું બીજ રોપીએ છીએ. અને ખરેખર, આવાં નજીવાં કારણો માટે જ ઘણાં પાડોશીઓ લડતાં જોવામાં આવે છે.