લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી જાત
૪૧
 

આ જાતની ટેવ આપણી વસ્તુ જોવા પરત્વેની દૃષ્ટિમાં ફરક છે તેનું ફળ છે. આપણે મોટાંઓ જીવનમાં “આમ થાય તો ? આમ થાય તો? અરે, આમ થઈ જાય આમ થઈ જાય!” વગેરેની કલ્પના કરીને હલકી ઊઠીએ છીએ; ને ખરેખર વાસ્તવિક દુઃખ નથી હોતું ત્યાં દુઃખ અનુભવીએ છીએ. એમાંથી આપણે “આમ થાત”નો ભય લીધો છે. એ હમેશની પ્રકૃતિ કજિયાનું કારણ છે. પણ જો આપણામાં ચોખ્ખી બુદ્ધિથી જોવાનું ડહાપણ હોય તો આપણે એમ વિચારીએ કે “આમ ન થયું તે જ સારું થયું. લાગ્યું નહિ તે જ ફાયદો થયો. દીવાસળી સળગી પણ આગ ન થઇ એ જ મોટો લાભ થયો. ભૂલથી છરી પર પગ આવ્યો પણ લાગી નહિ એ જ મોટું હાંસલ થયું. ઘા લાગ્યો નહિ ને બાજુ પર પડ્યો એ જ લાભમાં લેખું.”

બે બાજુમાંથી આપણે સારી બાજુ-સવળી બાજુ જોઇએ તો સુખી થઇએ. બાળકોનાં ઉપરાણાં લઈ “આમ થાત” કહીને લડવા ન જઈએ.

બેશક આનો અર્થ એમ નથી કે ગમે તેમ થવા દેવા માટે આપણે બેદરકાર રહેવું, અથવા થવાનો સંભવ હોય ત્યાં દૂરંદેશી ન વાપરવી. વાત ‘થવા દેવા’ની નથી; થયા પછી યોગ્ય ઉપાય તો લેવો જ જોઇએ. થઈ ન બેસે તેની ચિંંતા–કાળજી રાખવી જોઇએ. પણ થયું ન હોય છતાં થાત તેનો ભય અને ચિંતા કરીને ન તો આપણે દુઃખી થવું, અથવા બાળકો કે માબાપો સાથે લડવું.