નાનું છોકરું પોતાનામાં શક્તિ આવી છે એની ખાતરી
રાખી તપેલું લઈને માને દેવા જાય છે. મા કહે છે: “મૂકી
દે; તારાથી નહિ લેવાય.”
છોકરો મહેનત કરી નિસરણીએ ચડવાની શક્તિ મેળવી એ પગથિયાં પછી ત્રીજે પગથિયે ચડવા જાય છે ત્યાં બાપ કહે છે: “હેઠો ઊતર; હજી ચડ્યા જેવડો નથી. પડીશ તો હાડકાં રંગાઈ જશે.”
છોકરું પોતાની આંગળીની સંભાળ રાખીને શાક સુધારે છે કે પેન્સિલની અણી કાઢે છે. બાપ ખિજાઈને કહે છે: “છરી હેઠે મૂકી દે; નાને પંડે નાનો ને મોટાંનું કામ કરવા જાય છે?”
છોકરું કહે છે : “હું તો હવે આવડો મોટો ખાડો ટપી જાઉં. હવે તો હું આવડો મોટો પથરો ઉપાડું.” ઘરમાંથી કોઈ કહેશે : “બાપુ! મકોડાની કડ સંભાળજે.”
બારણું ન ઊઘડતું હોય ને છોકરું કહેશે : “લાવો હું ઉઘાડી દઉં.” બધાં એને ભોંઠું પાડીને કહેશે : “કાંઈ છોકરાથી તે છાશ પિવાતી હશે?”
મોટાંઓ કોઈ મુશ્કેલીના પ્રસંગે કોઈ ગૂંચ ઉકેલતાં હોય છે એટલામાં છોકરું આવીને પોતાની દૃષ્ટિએ કાંઈક માર્ગ બતાવવા બોલે છે. બધાં કહે છે : “આ જોને, કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં!”