જણાય છે કે તે એમ માને છે કે “પોતાથી તે ન બની શકે. પોતે કેમ કરી શકે ?”
મારા અનુભવમાં આવા ઘણા દાખલાઓ આવ્યા છે. તેમાંનો એક બસ થશે. ચંદુભાઈની માએ એનામાં અવિશ્વાસનું ઈન્જેક્શન કરેલું. તેને મેં કહ્યું: “ભાઈ ! ચાલો આ પુલ ઉપર.”
તે કહે : “મારાથી નહિ અવાય. ડૂબી જાઉં.”
મેં કહ્યું : “કોણ કહે છે?”
“મારી બા કહેતી હતી.”
“ચંદુભાઈ! પેલો પથરા લાવો.”
“હું નહિ લાવું.”
“કેમ?”
“મારાથી નહિ ઊપડે.”
“કેમ જાણ્યું?”
“મારી મા કહે છે કે મારાથી ન ઊપડે.”
“પણ હુંં કહું છું કે ઊપડશે. ચાલો, આપણે ઉપાડી જોઇએ.”
છેવટે મેં એની સાથે રહી એ કામ થઇ શકે છે એવી તેને ખાતરી કરાવી ત્યારે તે હસ્યો ને પછી વિચારમાં પડ્યો.
તે દિવસથી તે છોકરામાં ઘણો ફેરફાર થયો. ગયેલી શ્રદ્ધાનું કિરણ તેનામાં ફરી વાર પ્રગટ્યું.
આપણે બાળકોમાં અશ્રદ્ધા પેદા કરી તેમને અશક્ત કરી નાખીએ છીએ. ખરી રીતે બાળકોમાં આપણો અવિશ્વાસ કે અશ્રદ્ધા એ આપણા પોતાનામાં જ અવિશ્વાસ કે અશ્રદ્ધા છે.