થઈ છે. બીજાં બાળકોને તેડેલાં જોઈ ચંપા કોઇ વાર કજિયો કરે છે, પણ આપણે તેડતાં નથી એટલે તે ઘડીક કજિયો કરી રસ્તે આવે છે. કોઈ કોઈ વાર તો વળી તે કોઇ તેડે છે તો ‘ઉતારો’ ‘ઉતારો’ એમ કહી હાથપગ હલાવે છે. ઘણી વાર ઉતાવળ અને ઝડપથી જતી વખતે આપણે એને તેડવી પડે છે ત્યારે તેને અગાઉથી સમજાવી દઇએ છીએ, એટલે તે વખતે તેને તેડવાનું બંધન નથી લાગતું. ચંપા તો તેડાવવાની ટેવમાંથી બચી ગઇ; કારણ કે આપણે હવે અનુભવે ઘડાયાં છીએ ને ઘરમાં નોકર પણ નથી. હવે તો નોકર મળે તો પણ ચંપાને તેડવા ન જ દઇએ. બાળકો નાનપણમાં ચાલવાની પ્રવૃત્તિ કરી મનમાં આનંદ સાથે શરીરને વ્યાયામ આપે છે, જે આટલા સુદૃઢ પગોથી આપણે કેટલુંયે ચાલી શકીએ છીએ તે પગોને નાનપણમાં ઘડાવાનું છે, અને તે ચાલીને જ. એ માટે બાળકને છૂટ જોઇએ. પુષ્કળ જગા જોઈએ. જ્યાં જ્યાં માબાપો બાળકોને ચાલવા દેવાને બદલે તેડીને ફરે છે, ને તેમાં બાળક પ્રત્યેનો પ્રેમ સમજે છે, ત્યાં ત્યાં બાળકને તો નુકસાન જ થાય છે. કોઇ કોઇ પ્રસંગે જેમ કે માંદગી વખતે કે ઉતાવળથી સ્ટેશને પહેાંચવું હોય ત્યાં બાળકને તેડાય એ જુદી વાત છે.”
ચંપાની બા : “સાચી વાત છે.”