લાગે છે.’ એટલું કહી એ તો ગઈ; પણ રાંડની કાંઈ નજર ! હું તો ઓકીને નહા થઈ ગઈ.”
ઘરમાં માબાપ છોકરાને કહેશે : “અત્યારે એલા ગધેડાનું નામ ન લેવાય.” “સવારમાં ઊઠીને સાયલાનું નામ ક્યાં લીધું ? સાંજ સુધી રોટલા નહિ મળે.” “એલા છનકા! આ સંધ્યાકાળે ઓતરાદો ક્યાં સૂતો ? ઊઠ, ઊભો થા.”
આ બધા નર્યા વહેમો છે. આપણી આસપાસ અને વચ્ચે વસતાં આપણાં બાળકોને આપણે એ વહેમ પળેપળે પાઇએ છીએ. માબાપો પાસેથી આ વહેમો આપણને મળ્યા: આપણે એ જ વહેમો પેઢી દરપેઢી જાણેઅજાણે બાળકોમાં ઉતારી રહ્યાં છીએ. આપણે માબાપોને પૂછ્યું : “સાપ આડો ઊતરે એમાં આપણને નુકસાન શાનું થાય ?” આપણને જવાબ મળ્યો : “એમાં તમે શું સમજો! ઘરડાં અમથાં કહી ગયાં હશે ?” આપણને બાળકો પૂછશે : “પગ હલાવીએ તો મા શાને મરી જાય ?” આપણે કહીશું : “લે રાખ, બહુ ડાહ્યો થયો તે! પગ ન હલાવીએ, એટલું યે નથી સમજતો ?”
પરિણામે આપણે વહેમી થયાં, આપણાં બાળકો વહેમી થશે, તેનાં બાળકો વહેમી થશે; ને એમ પેઢી દરપેઢી વહેમ ઊતરશે !
વહેમી માણસ એટલે બીકણ માણસ. “જમણી આંખ ફરકી; હાયહાય !હવે શું થશે ?” ઘી ઢોળાયું; કાંઇક આફત આવશે.” શિયાળ રોયું; આજ ખાતર તો નહિ પડે ને ?” “રાતે મેળવણ દઈશ તો મારી ગાય વસુકી જશે, તો ?” આ બધા વહેમો માણસના વિચારોમાં છે.