લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
મા બાપ થવું આકરું છે
 

જોઈને કે ‘બીઉં છું’ કહેતાં સાંભળીને કે ભાગી જતાં જોઈને બાળક પણ બીતાં શીખે છે. મોટાંઓ બિહામણે ચહેરે ને ભયભીત અવાજે રાક્ષસની અને ભૂતપ્રેતની કે બીજી વાતો પોતે પણ બીતાં બીતાં કરે છે, ત્યારે બાળક તેમાંથી બીતાં જ શીખે છે.

બાળકમાં બીક સ્વાભાવિક છે. પરવશતા અને અજ્ઞાન એ આનાં કારણો છે. એનો ઉપાય કરવાને બદલે ઊલટું જ્યાં ખરેખર બીકનું કારણ નથી હોતું ત્યાં પણ આપણે જ બીને બાળકમાં બીકનું આરોપણ કરીએ છીએ. તેમાં આપણે બાળકને નુકસાન કરીએ છીએ. વીંછી નીકળે ત્યારે “વોય બાપરે!” એમ કરીને આપણે ભાગીએ નહિ ને પગ ધ્રુજાવતા આઘે ઊભા રહીએ નહિ, પણ તેને ઝડપ દઈને સંભાળથી સાંણસીથી પકડીએ તો બાળક સમજી લેશે કે એમાં કશું બીવા જેવું નથી; માત્ર સાવચેતી રાખવાની જરૂર છે સિંહ, વાઘ કે સાપ : જેનો ભય રાખવાની જરૂર છે તેની સામે પણ નીડરપણે કેમ થઈ શકાય તેની વાત કરીએ, આવા પ્રસંગે રક્ષણની સંભાળ લઈ નિર્ભય વર્તન બતાવીએ, તો બાળક ખરેખરા ભયમાં પણ બીધા વિના રક્ષણ કરતાં શીખશે. રાક્ષસ સાથે લડીને બળ હોય તો તેને પણ મારી શકાય, એવી રીતમાં રાક્ષસની વાત બાળક પાસે આવે તો તે રાક્ષસની બીકમાંથી ઊગરે. ટૂંકમાં જે પ્રસંગોએ ખરેખર બીવા જેવું નથી હોતું તે તે પ્રસંગોએ આપણા વર્તનથી ઘણી વાર બાળક બીતું થઇ જાય છે. તેમ ન થાય તે માટે આપણે કાળજી લેવી જોઇએ. ઉપરાંત સહીસલામતીની ખાતર જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નિર્ભયપણે કાળજી કેમ રખાય તેનો વિચાર બાળકમાં મૂકીએ તો બાળક ખરે