રાખતાં. ધારો કે તેમને ખાવા ન આપ્યું તો તેઓ નારાજ થશે પણ દુઃખી નહિ થાય; તેમને ખાવું ગમે છે પણ તેઓ ખાવા પાછળ નથી. વધારે મળશે તો તેઓ પણ ખાશે, પણ વધારેને માટે મનમાં વિચાર રાખી પાછળથી નિરાશ થશે નહિ.
વળી એક બીજો વર્ગ પણ છે. આ વર્ગનાં બાળકો બાલમંદિરમાં નાસ્તામાં શું લાવ્યા છે તેની ખાસ તપાસ રાખે છે. વખતે વખતે ખાવાનું મૂકવાની જગ્યાએ જઇ તે ઉપર કૃપાકટાક્ષ કરી આવે છે; જરાક પ્રસન્નતા લઇ આવે છે. સારું ખાવાનું આવ્યું હોય તો તે દિવસે તેમને ઉત્સવ જેવું લાગે છે. ‘આજે જલેબી છે.’ ‘આજે ગુલાબજાંબુ છે.’ એવી વાતો તેઓ રસથી કરે છે, ને તેવી વાતો ફેલાવવામાં આનંદ લે છે. વળી તેઓ ખાવાની પાસે રહેવા માગે છે, તેથી તેઓ પીરસવાનાં ઉમેદવાર હોય છે; અગર તેમને પીરસવાનું કહેતાં કદી પણ ના પાડતાં જ નથી. બીજાં બાળકોની પેઠે પીરસવાની ગોઠવણમાં તેમને થોડો જ રસ છે; બીજાં કેટલાંએકની પેઠે પીરસતાં શીખવામાં–જેમ કે દૂધનું એક ટીપું ન પડે તેમ પીરસવું વગેરેમાં તેમને ખાસ મજા નથી; તેમની મજા નાસ્તો જોવામાં, તેનું નિકટત્વ સાધવામાં, ને કદાચ લાગ આવે તો ગળ્યું મોઢું કરી લેવામાં છે. બીજાં પેઠે તે ખાવામાંથી ગેરહાજર તો ભાગ્યે જ રહે છે. તેમને ગેરહાજર રાખવાં એ જ તેમને માટે જો દંડ કરવાનું હોય, તો દંડ ગણાય. એ વર્ગમાંના એક બાળકને એક વાર બીજાંઓથી જુદું પાડીને મૂકવામાં આવ્યું. જ્યાં સુધી તેને નાસ્તો મળ્યા કર્યો ત્યાં સુધી એકાકીપણાની સ્પષ્ટતા તેના મગજ ઉપર બેઠી નહિ; પણ જ્યારે તેને નાસ્તો આપવાનું બંધ કર્યું ત્યારે તેને એકાકીપણું ભારે લાગ્યું.