આ વર્ગ જમવાનો વખત ભાગ્યે જ ચૂકે. ‘જે આટલું ભણી આપે તે જમે.’ એવું ઠરાવ્યું હોય તો તેઓ જરૂર જ્યાં સુધી જમવાનો વખત થાય ત્યાં સુધી ઊંચું માથું કર્યા વિના ભણ્યા જ કરે કામધંધો ન હોય માટે જ જમવાના ઓરડા આગળ તેઓ એકઠાં થતાં નથી, પણ ક્યારે નાસ્તભેગાં થઈએ એવું એમના મનમાં હોય છે. તેઓ બીજાની પેઠે એકલાં એકલાં પીરસતાં હોય તો છાનુંમાનું જરાક મોંમાં નાખ્યાના દાખલાઓ પણ છે. જમતી વખતે તેઓ રાંકના ગોળ જેમ ધીરે ધીરે સ્વાદ લઈને ખાય છે. કોઈ વાર જાહેર તો કોઈ વાર ખાનગી ઉઠંગી પણ કરે છે. જમતી વખતે મારી પાસે બેઠેલી એક છોકરીએ મારી નજર બીજે ગઇ ત્યાં મારી રકાબીમાંથી પેંડો ઉપાડી લીધેલો ! બીજી વધારે બુદ્ધિવાળી છોકરીએ ઉપરથી તો કામ કરવાના દેખાવ કરી જમેલાં વાસણો ઊંચકવાનું રાખેલુ, પણ અંદરનો હેતુ તો એંઠો ચેવડો ખાવાનો હતો ! બેશક છેક નાનાં અને નવાં બાળકો જેઓ એંઠાજૂઠામાં કશું સમજતાં નથી, તેઓ શીંગ લેવાનું કરે છે; કોઇના પ્યાલામાંથી અથવા નીચે પડેલી કે કોઇના હાથમાંથી આંચકીને ચીજ ખાઈ જાય છે. વળી જેઓ એકાદ ગમતી વસ્તુ પાછળ જ છે-નહિ કે જેઓનું મન જે દેખે તે ખાવામાં ભટક્યા કરે છે, ને જ્યાંથી લાગ આવે ત્યાંથી ખાવાનું જ કરે છે - તેવાં બાળકોને આપણે જુદાં પાડીએ છીએ. તેમના વિષે અહીં કશું જ કહેવામાં આવ્યું નથી.
પેલી મારી પાસે બેઠેલી છોકરી જ્યારે મારો પેંડો ખાઈ ગઈ ત્યારે મને માઠું લાગ્યું. છોકરી સારી હતી; હેતાળ હતી. મને તેની દયા આવી. છતાં મેં જે બધાંની દેખતાં તેની જરા નાલેશી કરી, ‘આ ખરાબ!’ એમ મેં કહ્યું, એ પણ અયોગ્ય જ હતું. એમ મને પાછળથી લાગ્યું. એ ને હું માંદી