જ ગણું. એની મારે માનસિક દવા કરવી જોઈએ એમ લાગે છે. રોગનું કારણ અંદર હોય ત્યાં બહારથી વઢવું શા કામનું ?
બીજી છોકરી જે ચેવડો ખાઈ જતી હતી તેની સાથે મેં વાતચીત કરી ત્યારે મને જણાયું કે તેને ઘરમાં પૂરું ખાવાનું મળતું નથી; ખાવાનું આપે છે તે થોડું થોડું, અને ‘હે ઝાડા થશે !’ ‘હે બહુ ખાય છે!’ એમ કહીને આપે છે. છોકરી વાત કરતાં કરતાં હિજરાઇ ગયેલી ને આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. તે જ્યારે કામમાં લાગેલી ન હોય, બેચેન ફરતી હોય, કોઇના તરફ ચિડાતી હોય ત્યારે હું તેને પૂછું: “આજે જમી છો?” મને અચૂક જવાબ મળતો “આજે બા વઢી છે ને ખાવા નથી આપ્યુંં” બધી અવ્યવસ્થાનું કારણ ક્યાં છે તે હું તરત જ જાણી શકતો.
ઉપચાર તરીકે મેં એને બે પ્યાલા પિરસાવ્યા, પણ તેણે બે પ્યાલા એક જ દિવસ ખાધા; બીજે દિવસે તે શરમાઈ. બીજાં બાળકોએ તેના મનમાં આ શરમ નાખેલી. શરમની મારી તે મંદિરમાં ખાતાં અટકી, પરંતુ તેની મૂળ વૃત્તિ તો ત્યાં જ રહી. શરમભરમથી બહુ બહુ તો ઉપરનું ફળ આવે; તેથી તો ઉપરનો ખરો માણસ ઊંડો જાય. એટલે વિકૃતિ અંદર જતાં તેને સુધારવાની કે સુધરવાની તક દિવસે દિવસે ઓછી થાય. ધીમે ધીમે માણસ પોતાની વૃત્તિને પિછાનવાનું પણ ભૂલી જાય, અગર બહારથી દબાઇને સંતાઈ ગયેલી વૃત્તિને સંયમિત થઈ ગઈ છે એમ માની લે; જ્યારે પેલી વિકૃત વૃત્તિ તો એક અથવા બીજે રૂપે પાછી રોગ બનીને ફાટી નીકળવાની જ !
પેલા ભાઈબંધ જેને એકાકી કરવામાં આવ્યા હતા તેઓ બે દિવસ પહેલાં એંઠા પ્યાલામાં પડેલી ‘જલેબી’ સામે