લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂખલપણું
૭૩
 

યોગ્ય ખોરાક પૂરતો ખોરાક આપવાની ના પાડીએ, તેમાં આડે આવીએ તો ભૂખ કે જે તંદુરસ્ત માણસમાં હોવી જોઇએ અને જે જ્યારે નથી હોતી ત્યારે ઊલટી ચિંતા થાય છે, તે જ ભૂખ વિકૃતિ પામીને ભૂખલપણાના રોગનું કારણ થઈ પડે છે. લાગે છે કે બાળકના ભૂખલપણા માટે આપણે પોતે જ જવાબદાર છીએ.

બાળકો હરહંમેશા બહુ ખાતાં નથી; આપણો એ વહેમ છે. તેમ તેઓ જાતજાતનાં તે નિત નવાં ખાવાનાંજ માંગ્યા કરે છે એમ પણ નથી. પરંતુ તેમને થોડી થોડી વિવિધતાભર્યો, ભૂખ શમે અને પોષણ મળે તેવો, ને ધરાઈને ખવાય તેટલા ખોરાકો મળે તો બાળકો પાતે જ પોતાના ખોરાક અને એનું માપ આપણને કહી આપશે. તેમને પોતાના જ અનુભવમાંથી ખબર પડશે કે આમ થાય માટે આ ન ખાવું જોઇએ, વગેરે. આરોગ્યદાયક ખોરાકની પસંદગી આપણી પાસે રાખ્યા પછી બાળકની ખરી ભૂખને જો તૃપ્ત કરવાની તક આપ્યા કરશું તો બાળક જરૂર ભૂખલપણામાંથી બચશે.

છેક નાનાં અણસમજણાં બાળકોથી આ પ્રયોગ કરી શકીએ. બાળકો ભૂખલ ન થાય તેની વાત આપણા-માબાપના હાથમાં છે. માબાપો બાળકને ખવરાવવા–પિવરાવવામાં કાળજી લેશે તો ખૂબ ખાઈ જઇને માંદા પડવાના, એંઠું ખાઈ જવાના, ખાઉં ખાઉં કરતા ભૂખલપણાના, તે એવા ‘રોગ’માંથી બાળકો અવશ્ય મુક્ત થશે.