નાનપણનો એક પ્રસંગ યાદ આવે છે. મારે ત્યાં મારો એક મિત્ર મારી સાથે રમવા આવેલો. અમે રમતા હતા એટલામાં મોટી બેન આવીને બોલી : “ભાઈ! કાકી તને ઘરમાં બોલાવે છે.”
હું ઘરમાં ગયો અને કાકીએ મને બદામની પૂરી આપી. મને કહે : “અહીં ખૂણામાં બેસીને ખાઇ લે. ત્યાં બહાર તો તારો ભાઈબંધ છે.”
મારા મિત્રને મૂકીને ખાવું મને કેમ ગમે ? મેં કહ્યું : “મારે નથી ખાવું; પછી ખાઈશ.”
કાકી કહે : “લે હવે ખાતો જા ને? ઝટ કર; વખતે પેલો બહાર બેઠો છે તે અંદર આવશે.” કાકીએ એવી રીતે કહ્યું કે હું વધારે બોલી શક્યો નહિ અને બદામની પૂરી ખાઈ ગયો.
મારો મિત્ર તો આતુરતાથી મારી રાહ જોતો હતો. હું ગયો એટલે રાજી થયો, અને અમે બન્ને રમવા લાગ્યા. અમે થોડુંક રમ્યા; પછી તે ગયો.
આ વાતને વર્ષો વીત્યાં છે. પણ વારંવાર મને એવું થઇ આવે છે કે જાણે હું ઝટઝટ મિત્રથી ચોરીને બદામની પૂરી ખાઉં છું ! જાણે હું કાંઈક ગુપ્ત રીતે પાપ કરું છું ! મને થયા કરે છે કે કાકીએ કહ્યું તેથી મેં આ શું કર્યુંં? મારા મિત્રને છોડીને એક ચોર બનીને મેં કેમ ખાધું?