આમ હાથ ધોવાય, એમ કરી બતાવીને કરવા દઇએ, અને શરૂઆતમાં તો જેવું થાય કે કરે તેવું ચલવી લઇએ, તો જ બાળકો ધીરે ધીરે આવું બધું તેં નજરે જોયું તેમ કરતાં શીખી જાય છે. આને હું ભોજનનો આચાર કહું છું. બાળકો જમતી વખતે ઘોંઘાટ કરે, વારે વારે રડી ઊઠે, અહીંં ન ગમે ને ત્યાં ન ગમે, કાં તો માની ને કાં તો બાપાની પડખે ઘૂસે, એ બધું નથી ગમતું ને આપણે એમ કરવા દઈએ છીએ એટલે તો થકવી નાખે છે ! મેં તો પહેલેથી જ રિવાજ કાઢ્યો છે કે આ પાટલાઓ નાનાના, આ થાળીઓ નાનાની, આ એમની જગા, આ એમના ચમચા, આ એમની ટબૂડીઓ, અહીં હાથ ધોવાનું, આ એમના ટુવાલ વગેરે, અને એમને માટે જે બધુ મેં રાખ્યું છે તે તેમને માફકનું, તેઓ ઉપાડી શકે તેવું ને તેમને ગમે તેવું રાખ્યું છે.
“જમતી વખતના નિયમો પણ આપ્યા છે. કોઈ ચીજ આવે તો લેવી હોય તો આંગળી ઊંચી કરે; ન ભાવતું આવી જાય તો પાસે જ એક રકાબી રાખું છું તેમાં મૂકે; વગેરે. અનુભવથી વ્યવસ્થાના જે નિયમો ઠીક લાગ્યા છે તે રાખ્યા છે. બધું જોહુકમીથી કરાવવાનું નહિ; ન કરે તેને દંડ પણ નહિ; પણ તેમને રોજ રોજ તેમ કરવા દઇને, ને રોજ ને રોજ કરવાની ટેવ પાડીને શીખવા દઉંં છું. તેમને હું ખોટાં લાડ લડાવતો જ નથી. ખોટી રીતે તેમની માગણી કે એવું હોય છે ત્યારે તે વખતે ધ્યાન આપતો નથી; પણ તેમની મુશ્કેલી સમજી બીજે દિવસે એનો નિકાલ આણું છું.”
“હું બાળકો સાથે વાતો કરવાની ને તેમને સમજવાની તક લઉં છું; તેમનાં નાનાં સુખદુઃખો ઉપર ધ્યાન આપું