પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
માબાપોને
 

અનુસંધાનમાં બંધબેસતી છે. આ રીતો તે શિક્ષકો રાખી બાળકોને ભણાવવાની છે. અત્યારે ‘માસ્તર’ને રાખવો એ એક ફેશનશોભા થઈ પડી છે. પણ કોઈએ વિચાર કર્યો છે કે શા માટે બાળકને માટે માસ્તર રાખવો ? માબાપ તો માસ્તર રાખી શકે છે એટલે આનંદ માને છે, અને ધીરે ધીરે બાળક કંઈ શીખતું જાય છે એ જોઈ સંતોષ પામે છે. દુકાનનો મે’તાજી રાખવામાં, ભટ રાખવામાં, બાગવાન રાખવામાં નોકરની યોગ્યતાનો વિચાર કરવો જ પડે. માસ્તર રાખવામાં વિચાર શા માટે જોઈએ ? માસ્તર એટલે ભણાવનાર અને કંઈક ભણેલો, અને વધારામાં કોઈ એકાદ નિશાળનો માસ્તર હોય તો બસ થયું. માસ્તરની યોગ્યતા જ માસ્તર કહેવડાવવામાં, બાળકને પાસે બોલાવવામાં અને પોતે જેમ શીખ્યા હતા તેમ ગમે તે રીતે શીખવી દેવામાં આવી જાય છે. આથી વધારે યોગ્યતા કોણ માગે છે ? બાળકને તે શું શીખવે છે અને શું નથી શીખવતો તેની વાત કોણ પૂછે છે ? બાળકને કક્કા ને આંક આવડે છે એ ઘણુંબધું છે એમ સૌ માને છે. પરંતુ બાળકના વિકાસ ઉપર પાણી ફરી ગયું, બાળકમાં જે ખીલવાની શક્તિ અને ઉત્સાહ હતો તે દબાઈ ગયાં, બાળકનું વ્યક્તિત્વ મરી જઈ તે યંત્ર બની ગયું, તેનો વિચાર કોઈ કરતું નથી. આ દશા બાળકોની છે. આ દશામાંથી તેઓને છોડાવવા માટે માબાપોએ શું કરવું જોઈએ, તેના થોડાએક વિચારો હું આ સ્થળે આપીશ. આ વિચાર એકલા પુસ્તકિયા નથી પરંતુ તે અનુભવમાંથી જન્મ્યા છે એમ પ્રથમથી જણાવવું જોઈએ. આ વિચારો સૂચના રૂપે છે અને તે નિશાળે ન જતાં પણ ઘરમાં જ રહેતાં ૩ થી ૬–૭ વર્ષની ઉંમરનાં બાળકો માટે છે.