પૃષ્ઠ:Mabapone.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
માબાપોને
 

તટસ્થવૃત્તિથી જોતાં જે કરવું યોગ્ય લાગે તે બાળકને નુકસાનકારક ન નીવડે તો કરવું. બાળકને ગણતાં કે વાંચતાં ન આવડે ત્યારે જેમ શાસ્ત્રીય દૃષ્ટિવાળો શિક્ષક તેનું કારણ શોધે છે, તેમ જ બાળકના ઇતર માનસિક દોષો પરત્વે પણ કારણ શોધવાનું છે. શિક્ષકે જાણવું જોઈએ કે શિક્ષા નિરર્થક છે. સિવાય કે બાળક સ્વેચ્છાથી પોતાની જાત ઉપર સમજણપૂર્વક નિયમન મૂકે. શિક્ષક ધ્યાન રાખે કે ખરાબ, આળસુ, બેદરકાર, ઠગારો, માલ વિનાનો, એવા શબ્દોથી સારું પરિણામ આવવાને બદલે ઊલટું વધારે ખરાબ પરિણામ આવે છે. તેમ જ શિક્ષકે એ પણ ધ્યાનમાં રાખવું કે એમ કરો નહિ, તેમ કરો નહિ, એથી પણ કંઈ વળવાનું નથી. વળી શિક્ષકે બાળકોની ઊણપો સંબંધે ટીકા કે ચર્ચા કરવાની નથી; તે એટલા માટે નહિ કે અયોગ્ય બીવડાવવાપણું છે, પણ એથી ઊલટું તેને સુધારવામાં વધારે મુશ્કેલીઓ પેદા થાય છે. શિક્ષકે ઉપદેશ આપવાનું અને નીતિબોધ આપવાનું ઓછામાં ઓછું કરવાનું છે. એમ કરવાથી બાળકની નૈતિક ભાવના અને સંસ્કારિતા ઊલટી મંદ પડશે, અને બાળક વિના કારણ અસ્વસ્થ અને બેચેન થશે. જે કાર્યપદ્ધતિ વાચન લેખન સુધારવા માટે શિક્ષક શાસ્ત્રીય રીતે ચલાવે છે, તે જ કાર્યપદ્ધતિ નૈતિક સુધારણા માટે તેણે રાખવી જોઈએ.

અવારનવાર શાળામાં તેમ જ ઘરમાં બાળકો સંબંધે જે મુશ્કેલીઓ ઊભી થાય છે, જે અનિષ્ટ વર્તન દેખાતાં માલૂમ પડે છે તેનાં કારણો, પરિસ્થિતિ, શક્ય ઉપાયો વગેરે જો જાણીએ તો શિક્ષણના તેમ જ બાળઉછેરના કામમાં આપણો માર્ગ વધારે સરળ થાય.